સમસ્ત બાકરોલ ગામ તરફથી ગામના એક આગેવાન, સામાજિક કાર્યકર અને લેખક જયંતીભાઈ પટેલનું ૧૨ જુલાઈએ ન્યૂ જર્સીના અકબર હોલમાં એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદના ધારાસભ્ય રોહિતભાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ચમોસ માતૃસંસ્થાના તથા ચરોતર હેલ્થકેરના પ્રમુખ નગીનભાઈ પટેલ પણ આ નિમિત્તે હાજર રહ્યા હતા. સમારંભનું સંપૂર્ણ આયોજન મૂળ બાકરોલના અમેરિકાસ્થિત જયમંગલ પટેલે કર્યું હતું. આ પ્રસંગે જયંતીભાઈની પંદરમી નવલકથા ‘સ્વર્ગયાત્રા’ની વિદેશ આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આત્મીય વિદ્યાધામમાં હરિ સૌરભ હોસ્ટેલનું ઉદ્ધાટનઃ પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની પ્રેરણા અને આશીર્વાદથી નિર્માણ પામેલા આત્મીય વિદ્યાધામ બાકરોલ (આણંદ)ના પ્રાંગણમાં નવનિર્મિત હરિ સૌરભ હોસ્ટેલનું ઉદ્ધાટન થયું છે. અમેરિકાસ્થિત પિયૂષભાઇ પટેલના હસ્તે અષાઢી બીજ-૧૮ જુલાઇના રોજ સંકુલની શાસ્ત્રોક્ત વિધિ, વાસ્તુપૂજન, મહાપૂજા વિધિ થઇ હતી. આ પ્રસંગે હરિધામ સોખડાથી પૂ. ત્યાગસ્વામીજી, પૂ. શાસ્ત્રી સ્વામીજી, પૂ. હરિપ્રકાશ સ્વામીજી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના ન્યાયાધિશનું આણંદ પાસે આકસ્મિક મોતઃ સુરતની જિલ્લા અદાલતના અધિક ન્યાયાધિશ અને ખંભાતના વતની અતુલભાઈ શાંતિભાઈ ઠક્કરનું આણંદ પાસે ગત સપ્તાહે આકસ્મિક મોત થયું છે. નેશનલ હાઇવે પર રાવળાપુરા પાટિયા પાસે તેમની કારને ડમ્પરે ટક્કર મારતાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના બનેવીને અમદાવાદમાં હાર્ટનું ઓપરેશન કરાયું હોવાથી તેઓ સુરતથી અમદાવાદ પોતાની કારમાં પત્ની ભાવનાબહેન અને પુત્રી ધ્વનિ સાથે ખબર પૂછવા જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. તેમને કરમસદની હોસ્પિટલ લઈ જવાતાં તેમને મૃત જાહેર કર્યા હતા. તેમનાં પત્ની અને પુત્રીને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
ખેડામાં આઠ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશેઃ ખેડા જિલ્લાની આઠ તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની કવાયત શરૂ થઇ ગઇ છે. કઠલાલ અને કપડવંજ તાલુકાને બાદ કરતાં નવરચિત વસો અને ગળતેશ્વર તાલુકા પંચાયતોની પણ ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સંદર્ભે તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા, મતદાર મંડળની રચના, અનામત બેઠકોની ફાળવણી કરવા માટે વિકાસ કમિશનરને આપેલી સૂચનાના આધારે જાહેરનામું પ્રસિદ્ધ થઈ રહ્યું છે અને આઠ તાલુકા પંચાયતની વિવિધ બેઠકોની ફાળવણી થઇ છે.