બાલાસિનોરઃ મહિસાગર જિલ્લાના બાલાસિનોર શહેરનો ૨૮ વર્ષનો મહર્ષિ દવે ત્રણ વર્ષથી આફ્રિકામાં કાર સપ્લાયનો સ્વતંત્ર વ્યવસાય કરતો હતો. તાજેતરમાં તે ત્રણ મિત્રોને કારમાં બેસાડીને વ્યવસાયના સ્થળેથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે કાર થાંભલાને અથડાઇ હતી. અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું અને ત્રણ મિત્રોને ઈજા થઇ હતી. બાલાસિનોરમાં હોળી ચકલા વિસ્તારમાં રહેતા પંકજભાઈ દવેના પુત્ર મહર્ષિએ આફ્રિકામાં જ ફિલીપાઈન્સની યુવતી અલપર્નાર સાથે લવમેરેજ કર્યા હતા. ગત રક્ષાબંધનના દિવસે તેને ત્યાં પુત્રનો જન્મ થયો હતો અને અલપર્નાર સિઝેરિયનના કારણે હજુ સારવાર હેઠળ છે. તે પતિના અંતિમ સંસ્કાર આફ્રિકામાં જ કરવા માગે છે. બીજી તરફ, પિતા પુત્રનું મોઢું જોવા આફ્રિકા જવા માગે છે પણ વિઝા નથી મળી રહ્યા.
ઘરનો આર્થિક સહારો તૂટી ગયો
પંકજભાઈ દવે કર્મકાંડથી પરિવારનું ગુજરાન ચલાવે છે. મહર્ષિ પરિવારમાં સૌથી મોટો દીકરો હતો. તેના બે ભાઈઓ છે. આફ્રિકામાં સેટલ થયા પછી મહર્ષિ થોડા સમયથી થોડી ઘણી આર્થિક મદદ પરિવારને કરતો હતો. પંકજભાઈએ જણાવ્યું હતું કે દીકરો તો મૃત્યુ પામ્યો છે, પણ હવે મને મારી પુત્રવધૂની ચિંતા છે. ૨૨ દિવસ પહેલાં જ થયેલા સિઝેરિયનના કારણે તે હજુ સારવાર હેઠળ છે. મારે આફ્રિકા જવું છે પરંતુ હજી સુધી વિઝા મળ્યા નથી.
બે જ દિવસ હિન્દુ અંતિમવિધિ
આફ્રિકામાં હિન્દુ ધર્મ પ્રમાણેની અંતિમવિધિ દર શનિવાર અને રવિવારે થાય છે. આ સ્થિતિમાં જો પંકજભાઈને વિઝા ન મળે તો પુત્રનાં અંતિમ સંસ્કાર એક સપ્તાહ લંબાવવા પડે તેમ છે. સ્થાનિક કાયદા પ્રમાણે આ બાબતે અંતિમ નિર્ણય મહર્ષિની પત્ની લઈ શકશે.