વડોદરાઃ અંપાડમાં આવેલા અખંડ ફાર્મહાઉસમાં ઉદ્યોગપતિ જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઈના ફંક્શનમાં દારૂ-બિયરના રંગમાં પોલીસે ભંગ પાડીને ૧૩૬ મહિલા સહિત કુલ ૨૭૩ માલેતુજારોને ઝડપી પાડ્યા હતા. આઇપીએલના પૂર્વ કમિશ્નર ચિરાયુ અમીન સહિત ઉદ્યોગપતિઓ, ક્રિકેટર્સ અને રાજકારણીઓ પણ આ કેસમાં પોલીસની હડફેટમાં આવ્યા હતા. પોલીસે રૂ. ૧૭.૭૫ કરોડની કાર, રૂ. ૧.૭૦ લાખના દારૂ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં દારૂબંધીના નવા કાયદા મુજબ બે ગુના નોંધ્યા હતાં. જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્ન પૂર્વે ૨૪મી ડિસેમ્બરે યોજાયેલા સગાઈના ફંક્શનમાં આ હંગામો થયો હતો.
હાઈપ્રોફાઈલ પાર્ટીમાં આલ્કોહોલની રેલમછેલ
રાજ્યની સૌથી મોટી દારૂ મહેફિલ પર રેડનો કિસ્સો હોવાનું કહેવાય છે. આ પાર્ટીમાં ચિરાયુ અમીન, તેમનો પુત્ર પ્રણવ, ઉદ્યોગપતિ અમિત ગોરડિયા, કેડિલા ફાર્માના માલિકના પંકજ પટેલના વેવાઇ દુષ્યંત પટેલ, દિનેશ મિલના ચેરમેન ભરત પટેલ, જાણીતા સીએ સુનીલ વકીલ, FGIના પૂર્વપ્રમુખ રાકેશ અગ્રવાલ,વડોદરા મેરેથોનના ડાયરેક્ટર સમીર ખેરા, રણજી ટ્રોફીના સિલેક્ટર ખગેશ અમીન, એફજીઆઇના વર્તમાન પ્રમુખ અમિત પટેલના ભાઇ મનોજ પટેલ, મુંબઇની હયાત હોટલના માલિકના પુત્ર, વીવીએસ ઇન્ફોટેકના માલિક રજત સિંઘાનિયા સહિતની હસ્તીઓ ઝડપાઈ હતી. ઉલ્લેખનીય છે કે ૨૮મી ડિસેમ્બરે વડોદરાના ધારાસસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી સાથે સ્થાનિક ધારાસભ્યો યોગેશ પટેલ અને જીતેન્દ્ર સુખડિયાએ પહેલાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને પછી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે આ કેસમાં નમતું જોખવા મુલાકાત કરી હતી.
પીએમઓમાં ખાસ રજૂઆત કરવામાં આવી
પાર્ટીમાં એક એનઆરઆઇ બિઝનેસમેન પરિવારના ૧૪ સભ્યો સાથે હતા. તમામ ૧૪ દારૂનું સેવન કરતા નથી તેવું તેમણે ત્યારે જ પોલીસને જણાવ્યા છતાં પોલીસે એક વૃદ્ધા સહિત તમામના બ્લડ સેમ્પલ લેવડાવ્યા તેનાથી તે એનઆરઆઈ નારાજ હતા. પોલીસ દ્વારા કરાયેલી હેરાનગતિ બાદ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાની પ્રક્રિયાથી નારાજ બિઝનેસમેને પીએમઓમાં લેખિત ફરિયાદ પણ કરી હોવાનું ચર્ચાય છે. જોકે આ વિદેશી ભારતીય બિઝનેસમેન પોલીસ કાર્યવાહી આટોપીને અમેરિકા જવા રવાના થઇ ગયા હોવાનું પણ જાણવા મળે છે.
બે બ્રિટિશરનાં બ્લડ સેમ્પલ પોઝિટિવ આવ્યા
પાર્ટીમાં બ્રિટિશ નાગરિકો બેન્ઝામિન ઉપકોટ અને રોબિન બોયડના લોહીના નમૂના બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગ્રામ્ય પોલીસે બંનેની ધરપકડ કરીને બ્રિટિશ એમ્બેસીને જાણ કરી હતી.
જોકે રિપોર્ટમાં ૧૩૬ મહિલાઓમાંથી ૬૪ મહિલાઓએ દારૂનું સેવન કર્યાનું જાણવા મળ્યું હતું જ્યારે ૧૩૭ પુરુષોમાંથી ૭૯ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પોલીસે પહેલી જાન્યુઆરીએ જણાવ્યું છે કે, આ કેસમાં ૬૪ મહિલાઓની ધરપકડ થશે જ્યારે ૫૮ પુરુષોને છોડી મૂકવા માટે કાયદેસર કાર્યવાહી થશે. લિસ્ટ અનુસાર ઉદ્યોગપતિ ચિરાયુ અમીન, તેમના પત્ની મલ્લિકા અને ત્રણ પુત્રો તથા એફજીઆઈના પૂર્વ પ્રમુખ ગીતા ગોરડિયાના સેમ્પલ પોઝિટિવ છે.
૨૭૩ પૈકી ૧૪૩ લોકોના રિપોર્ટમા તેઓએ દારૂનું સેવન કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ૧૪૩ પૈકી ૭૯ પુરુષ અને ૬૪ મહિલાઓ છે. ઉલ્લેખનીય છે કે પોલીસે જે તે સમયે તમામ ૧૩૭ પુરુષોની ધરપકડ કરી હતી. જ્યારે મહિલાઓની અટક થઈ નહોતી તેથી હવે ૬૪ મહિલાઓ સામે કાર્યવાહી કરવા માટે સીઆરપીસી ૧૪૫ મુજબ નોટિસ પાઠવાશે.