અમદાવાદ: ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં રહેતી અને બીએસસીનો અભ્યાસ કરતી ૧૯ વર્ષીય હીના (નામ બદલ્યું છે)ના લગ્ન ૭ મહિના પહેલાં ૨૭ વર્ષીય એન્જિનિયર દીપેશ સાથે થયાં હતાં. હીનાની મરજી ન હોવા છતાં માતા - પિતાની ખુશી માટે હીનાએ દીપેશ સાથે લગ્ન કર્યાં અને સાસરે ગઈ હતી. જોકે દીપેશ બિભત્સ સ્ત્રી શૃંગાર કરતો હતો. તે નેલપોલિશ પણ કરતો હતો. તે છોકરીની જેમ વાતો કરતો અને છોકરીની જેમ ચાલતો હતો.
આ બધાથી કંટાળીને હીનાએ દીપેશને કહ્યું કે, તું મને છૂટાછેડા આપી દે તો દીરેશે કહ્યું કે હું છૂટાછેડા નહીં આપું. મારા મમ્મી - પપ્પા નહીં માને. તું કોઈ બીજા છોકરા સાથે ભાગી જા. આ વાત હીનાએ તેના માતા-પિતાને કરતાં તેઓએ મદદ કરવાને બદલે સાસરે જ રહેવા કહ્યું હતું. કંટાળીને હીનાએ બે રાત રસ્તે વિતાવી હતી. અંતે યુવતી આત્મહત્યા કરવા નદી કિનારે પહોંચી હતી ત્યાં એક જણે તેનો જીવ બચાવીને મહિલા હેલ્પલાઇન ૧૮૧ને જાણ કરી હતી. મહિલા હેલ્પલાઇનની કાઉન્સેલિંગ કરતી ટીમે યુવતીની સમગ્ર ઘટના સાંભળી તો ટીમ પણ ચોંકી ઊઠી હતી. જોકે હીનાની વાત સાંભળીને કાઉન્સેલરે તેને બાંહેધરી આપી હતી કે તેની સાથે કંઈ અઘટિત નહીં થવા દેવાય. એ પછી હીનાના માતા -પિતાને બોલાવી તેમનું કાઉન્સેલિંગ કરી તેમની પાસે લખાણ લેવાયું કે, તે દીકરીના છૂટાછેડા કરાવી તેનું ભણવાનું ચાલુ રખાવશે.