વડોદરાઃ પાંદડા પર ચિત્ર દોરવું એ તો ભલભલા ચિત્રકાર માટે પણ પડકાર સમાન ગણાય, પણ વડોદરાના ચિંતન દવેએ ચિત્રકામમાં પણ કારીગરી બતાવી છે. બારમાસીનાં ૧.૮ ઈંચના પાંદડાથી લઈને વડના ૩.૫ ઈંચના પાંદડા પર શહેરની હેરિટેજ ઈમારતો, પોટ્રેટ અને વિશ્વની સાત અજાયબીના ચિત્રો તેણે તૈયાર કર્યાં છે. ચિંતને ૨ ઈંચના સૂકા પાંદડા પર મહારાજ સયાજીરાવનું પોટ્રેટ તાજેતરમાં જ તૈયાર કર્યું છે. જે ખૂબ જ વખણાયું પણ છે. ચિંતન કહે છે કે, આ પેઈન્ટિંગ કરવા તેણે ૦.૫ પોઈન્ટ ધરાવતી પાઈલોટ પેનનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત કલર પેનનો ઉપયોગ પણ તે કરે છે. ચિંતન કહે છે કે આગામી સમયમાં બીજા કલર્સના ઉપયોગથી પણ પેઈન્ટિંગ બનાવશે.
ચિંતનના કહેવા પ્રમાણે, સૂકા પાંદડા પર પેઈન્ટિંગ કરવું ખૂબ મુશ્કેલ છે. પેઈન્ટિંગ દરમિયાન પાંદડા પર વજન આપવાથી સૂકું પાદડું તૂટી જવાની શક્યતા રહે છે તો લીલા પાંદડા પર પેન્સિલ પેઈન્ટિંગ કરવા ચોક્સાઈ જરૂરી કારણ કે ભૂલ થયા બાદ પેઈન્ટિંગ ફરીથી બનાવવું પડે છે.