વડોદરાઃ બેંકફ્રોડના આરોપી વડોદરાના ઉદ્યોગપતિ નીતિન સાંડેસરાની દુબઈ ઓથોરિટીએ ધરપકડ કરી હોવાના અહેવાલ છે. રૂ. ૫૩૮૩ કરોડના સ્ટર્લિંગ બાયોટેક જૂથના લોન કૌભાંડમાં સીબીઆઇ અને ઈડી દ્વારા ગુનો નોંધીને સાંડેસરા સામે કાર્યવાહી શરૂ કરાઈ હતી.
આશરે બે મહિના અગાઉ ઈડીએ સ્ટર્લિંગ બાયોટેક લિ.ના ડિરેકટર રાજભૂષણ દીક્ષિતની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. એમ જણાવાય છે કે, ઇન્ટરપોલે સીબીઆઇને નીતિન સાંડેસરાની ધરપકડના અહેવાલ આપ્યા છે અને ટૂંક સમયમાં તેને દુબઇથી ભારત ડિપોર્ટ કરાશે.
ભારતીય કોર્ટે નીતિન સાંડેસરા સામે બહાર પાડેલા નોન બેલેબલ વોરંટના આધારે દુબઈ પોલીસે તેની ધરપકડ કરી હોવાના અહેવાલ છે.
ભારતીય તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું છે કે દુબઇમાં આ કેસની કાનૂની કાર્યવાહી ચાલે છે. એ પછી નીતિનને દુબઈથી ડિપોર્ટ કરાશે. જોકે જેના પગલે યુએઆઇના અધિકારીઓ એલર્ટ છે. જોકે સીબીઆઇ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ઉલ્લેખનીય છેકે, ગત ૧લી જૂનના રોજ ઈડીના અધિકારીઓએ પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ રૂ. ૪,૭૦૦ કરોડની સ્ટર્લિંગ જૂથની અસ્કામતો ટાંચમાં લીધી હતી. મનીલોન્ડરિંગ કેસ પણ તેની સામે કરાયો હતો. આ ઉપરાંત સીબીઆઇએ સાંડેસરા જૂથની કંપનીઓ સામે ગુનો પણ નોંધ્યો હતો.