આણંદઃ જિલ્લાના બોરસદમાં તાજેતરમાં અપક્ષ કાઉન્સિલર તરીકે ચૂંટાયેલા અને આણંદમાં ફાઈનાન્સનો વ્યવસાય કરતા પ્રજ્ઞેશ પટેલ પર આણંદ ચોકડી પાસે ૧૩મીએ સવારે બાઈક પર આવેલા બે બુકાનીધારીઓએ ચાર રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાંથી બે ગોળી વાગતાં ૩૫ વર્ષીય પ્રજ્ઞેશ પટેલને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ચોંકાવનારી વાત એ છે કે એફઆઈઆરમાં બોરસદ પાલિકાના પૂર્વ અધ્યક્ષ અને શહેર ભાજપના અધ્યક્ષ દુષ્યંત પટેલ સહિત ભાજપના ચાર શખ્સોને શકમંદ દર્શાવાયા છે.
પ્રજ્ઞેશ પટેલ સવારે વાળ કપાવવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. તે આણંદ ચોકડી પાસે પહોંચ્યા ત્યાં જ બાઈક પર આવેલા બે શખ્સોએ તેમનું નામ પૂછી બંદૂક તાકીને તેમની પર ચાર ગોળીઓ છોડી હતી જેમાંથી બે ગોળી વાળતાં પ્રજ્ઞેશ પટેલ ત્યાં જ ઢળી પડ્યા હતા. ગોળીબારનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા ને ઘટનાની જાણ થતાં બોરસદ પોલીસ પણ પહોંચી ગઈ હતી. પ્રજ્ઞેશ પટેલને પ્રથમ કરમસદ અને બાદમાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પ્રજ્ઞેશ પટેલની રાજકીય કારકિર્દી વિશે જાણવા મળ્યું છે કે તેઓ બે વર્ષ પહેલાં ભાજપમાં હતા પણ પછી અપક્ષ તરીકે તાજેતરમાં ચૂંટણી લડ્યા હતા અને બોરસદ પાલિકામાં તેમની પેનલ સહિત ચૂંટાયા હતા તેથી આ ઘટનામાં રાજકીય અદાવત હોવાની પણ શંકા દર્શાવાઈ રહી છે.
કોંગ્રેસી ધારાસભ્ય અમિત ચાવડાને રવિ પૂજારીની ધમકી
આંકલાવના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાને ગેંગસ્ટર રવિ પૂજારીએ જાનથી મારી નાખવાની ધમકી ૧૪મીએ આપી હતી. જે અંગેની ફરિયાદ બોરસદ શહેર પોલીસ મથકે નોંધાઈ હતી. અમિત ચાવડાના મોબાઈલ પર ઉત્તરાયણના દિવસે ફોન આવ્યો હતો.
સામેવાળી વ્યક્તિએ કહ્યું હતું કે, રવિ પૂજારી ઓસ્ટ્રેલિયા સે બોલ રહા હું. અમિત ચાવડા બોલ રહે હો? હમારે લડકોંને બોરસદ પ્રજ્ઞેશ પટેલ કો ઠોક ડાલા હૈ. વો જિન્દા હૈ યા મર ગયા? તેમ પૂછયું હતું. જેના પગલે અમિત ચાવડાએ ફોન કટ કરી દેતા એકાદ મિનિટ બાદ તુરંત જ તેમના મોબાઈલ પર નવા નંબર પરથી ફોન આવ્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે તુમ ભી ટીવીમેં ઇન્ટરવ્યુ બહોત દેતે હો, અબ જ્યાદા બોલે તો તુમ્હારા ભી પ્રજ્ઞેશ જૈસા હાલ હોગા.