આણંદઃ બોરસદ તાલુકામાં આવેલા પામોલ ગામની એક કોડભરી પાટીદાર યુવતીની કેનેડામાં લાશ મળી આવતાં તેના પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રવર્તી રહી છે. હિરલના પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા તેની હત્યા કરાવવામાં આવી હોવાની આશંકા મૃતક યુવતીના પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. પામોલ ગામે રહેતી હિરલ નામની યુવતીના લગ્ન કીંખલોડ ગામે રહેતા વિનય અતુલકુમાર પટેલ નામના યુવાન સાથે ૬ વર્ષ અગાઉ સામાજિક રીત-રિવાજ મુજબ થયાં હતાં. લગ્ન બાદ હિરલ કેનેડામાં સ્થાયી થઈ હતી. જોકે છેલ્લા એક વર્ષથી પતિ અને સાસરી પક્ષના સભ્યો દ્વારા તેના પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવતો હોવાનું તેના પિયરિયા દ્વારા કહેવામાં આવ્યું છે. હિરલના પિયરના સભ્યોએ કહ્યું કે, હિરલને જાનથી મારી નાંખવાની ધમકી પણ અપાતી હતી અને હિરલે બે માસ પૂર્વે જ છૂટાછેડા પણ લીધા હતા.
ટોરન્ટોના ખાડી વિસ્તારમાં એક કારમાંથી હિરલનો મૃતદેહ મળી આવ્યો હતો. તે ૧૧મી જાન્યુઆરીએ હિરલ લાપતા થતાં કેનેડા પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરતાં હિરલનો મૃતદેહ મળી આવ્યો હતો.