આણંદ: બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા ૬ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ન હોવાથી ગ્રામજનોએ પ્રવેશ પોઈન્ટ આપવાની માગ સાથે છઠ્ઠીએ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ચક્કાજામ કરતા ગ્રામજનો ઉપર લાઠીચાર્જ કરતાં મામલો બિચક્યો હતો. ડભાસી પાટિયા પાસે ૬ લેન નીચે ગરનાળું મૂકીને અવરજવરનો રસ્તો આપવા આવે તેવી માગ કરાઈ હતી છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે પહેલાં ગ્રામજનોને ઘટનાસ્થળે દોડી જઈ ગ્રામજનોને સમજાવ્યા ત્યારે ગ્રામજનોએ પણ પ્રતીક આંદોલનરૂપે માત્ર પાંચ મિનિટ ચક્કાજામ કરાશે તેમ જણાવ્યું હોવાનું પોલીસે કહ્યું હતું. જોકે ડીવાયએસપી આર. એલ. સોલંકી સહિતનો પોલીસ કાફ્લો ઘટનાસ્થળે પહોંચ્યો અને તેઓએ અચાનક ચક્કાજામ કરતા ગ્રામજનો પર લાઠીચાર્જ શરૂ કર્યો હોવાનું ગ્રામજનોએ કહ્યું હતું. પોલીસે લાઠીચાર્જ કરતાં ગ્રામજનો ઉશ્કેરાયા અને તેઓએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો હોવાનો અહેવાલ હતો. મામલો કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડયા હતા તેમજ ચક્કાજામ કરી બેઠેલા ગ્રામજનોને ભગાડયા હતા. જોકે ગ્રામજનોએ હાઈવે પર કપચીની ગાડીઓ ખાલી કરાવતા હાઈવે બંધ થઈ ગયો હતો. પોલીસકર્મીઓની સંખ્યા ઓછી અને ગ્રામજનોની સંખ્યા વધુ હોવાથી પોલીસને પણ જીવ બચાવવા માટે ખેતર પાર ભાગવું પડયું હોવાનું કહેવાય છે. આ પથ્થરમારામાં આઠથી વધુ પોલીસ જવાનો ઘાયલ થયાના જ્યારે આઠથી વધુ પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચ્યુ હોવાના અહેવાલ હતા.
૭૦ લોકો ડિટેઈન
ડભાસી પાસે ગ્રામજનોના ચક્કાજામ બાદ પોલીસના લાઠીચાર્જ અને પથ્થર મારા વચ્ચે પોલીસે ૭૦ ઉપરાંત વ્યકિતઓને ડિટેઈન કરીને અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બાદ ડભાસી પાસે આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.