વડોદરાઃ શહેરમાંથી વર્ષ ૨૦૦૮માં રહસ્યમય રીતે ગાયબ થયેલા પાટીદાર બ્રિટિશ યુવકને શોધવા પોલીસને આદેશ થયા પછી પણ કોઈ પરિણામ ન આવતા રેડકોર્નર નોટિસ કાઢવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે યુવકને શોધવા નિર્દેશ આપી વધુ સુનાવણી ૨૯ જૂન સુધી મુલત્વી રાખી છે.
મૂળ ગુજરાતી અને બ્રિટિશ નાગરિકત્વ ધરાવતા સૂરજ પટેલ અભ્યાસ માટે ભારત આવ્યો હતો. જોકે ૨૦૦૮માં ૧૩ ઓક્ટોબરે તે રહસ્યમય રીતે ગાયબ થતાં તેના દાદાએ કારેલીબાગ પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. સૂરજના દાદા પુરુષોત્તમ પટેલે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી હતી, જેમાં તેમણે પૌત્રની હત્યા અંગે પણ શંકા વ્યક્ત કરી હતી. જોકે મૂળ ફરિયાદી પુરુષોત્તમ પટેલનું અવસાન થયા બાદ પણ કોર્ટે કેસમાં તપાસ ચાલુ રાખવા માટે પોલીસને આદેશ આપ્યો હતો અને કોઈ પણ પરિસ્થિતિમાં યુવકને શોધી કાઢવા માટે એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ હતી.
કેસમાં વડોદરાના એસીપી હાઈકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને કોર્ટને જણાવ્યું હતું કે, કેસમાં તેમણે પૂર્ણ કક્ષાએ તપાસ કરી છે. જોકે હજુ પણ યુવકની ભાળ મેળવી શકાઈ નથી. બે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ થઈ શકી નથી, કારણ કે તેઓ દેશ છોડીની ચાલ્યા ગયા છે.