ભગવદ્ ગીતાની સાક્ષીએ FBIનું સુકાન સંભાળતા કાશ પટેલ

Wednesday 26th February 2025 04:04 EST
 
 

વોશિંગ્ટનઃ ભારતવંશી કાશ પટેલે અમેરિકાની સર્વોચ્ચ તપાસનીશ સંસ્થા ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે.
મૂળે મધ્ય ગુજરાતના ચરોતરના વતની કાશ પટેલે શનિવારે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં શ્રીમદ્ ભગવદ ગીતા પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ સાથે જ તેઓ FBIનું નેતૃત્વ કરનારા પ્રથમ એશિયન બન્યા છે. પાટનગરમાં આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ ખાતે આયોજિત સમારોહમાં એટર્ની જનરલ પામ બોન્ડીએ તેમને હોદ્દાની ગોપનીયતાના શપથ લેવડાવ્યા ત્યારે તેમની સાથે બહેન નિશા પટેલ અને ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્કિન્સ ઉભેલા જોવા મળતા હતા.
‘હું અમેરિકન ડ્રીમ જીવી રહ્યાો છું’
કાશ પટેલે શપથ લીધા પછી તેમણે કહ્યું હતું કે ઘણા લોકો કહે છે કે અમેરિકન ડ્રીમ ખતમ થઈ ગયું છે, પરંતુ તેમણે એ જોવું જોઈએ કે હું અમેરિકન ડ્રીમને જીવી રહ્યો છું. તમે પહેલી પેઢીના ભારતીય સાથે વાત કરી રહ્યા છો, જે દુનિયાના સૌથી મહાન રાષ્ટ્રની એક મુખ્ય સરકારી એજન્સીનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે. આવું બીજે ક્યાંય થઈ શકે નહીં. ફર્સ્ટ જનરેશન ઇમિગ્રન્ટથી અમેરિકાની ટોચની તપાસનીશ સંસ્થાના વડા સુધીની કાશ પટેલની સફર અમેરિકન અને ભારતીય-અમેરિકન ઇતિહાસનું એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ છે.

ટ્રમ્પના વિશ્વાસુ - એજન્ટોમાં લોકપ્રિય
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે FBIના વડાપદે કાશ પટેલની પસંદગી કરતા કહ્યું હતું કે, મને કાશ પટેલ ગમે છે અને હું તેમને આ પદ પર નિયુક્ત કરવા માગુ છું કારણ કે FBIના એજન્ટોમાં તેઓ લોકપ્રિય છે, તેમનો આદર કરે છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આ પદ સંભાળવા માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ વ્યક્તિ સાબિત થશે. તેમની નિમણૂક ખૂબ જ સરળ હતી. તે મજબૂત અને દૃઢ નિશ્ચયી છે.

.... પણ નિમણૂંકથી ડેમોક્રેટ્સ ચિંતિત
આ પૂર્વે ગુરુવાર - 22 ફેબ્રુઆરીએ કાશ પટેલની નિમણૂકને યુએસ સેનેટ દ્વારા 51 વિરુદ્ધ 49ના માર્જિનથી બહાલી અપાઇ હતી. જોકે, બે રિપબ્લિકન સેનેટર – સુસાન કોલિન્સ (મેઈન) અને લિસા મુર્કોવસ્કી (અલાસ્કા)એ આ મુદ્દે ડેમોક્રેટ્સનો પક્ષ લેતા કાશ પટેલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વિપક્ષ ડેમોક્રેટ્સે કાશ પટેલની નિમણૂક અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે તેમના નેતૃત્વમાં એજન્સીની સ્વાયત્તતા પ્રભાવિત થઈ શકે છે. કાશ પટેલે ક્રિસ્ટોફર રેનું સ્થાન લીધું છે, જેમને આ પૂર્વે 2017માં ટ્રમ્પ દ્વારા જ નિયુક્ત કરાયા હતા. બાદમાં ક્રિસ્ટોફર રેને ટ્રમ્પ સાથે મતભેદ થતા રાજીનામું આપ્યું હતું.
રાજકીય હસ્તક્ષેપ ટાળવા માટે, FBI ડિરેક્ટરો સામાન્ય રીતે 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે છે. પરંતુ ટ્રમ્પ સાથે કાશ પટેલની નિકટતાને ધ્યાનમાં લેતા, આના પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. સેનેટર એડમ શિફે કહ્યું કે FBIએ ડોનાલ્ડ ટ્રમ્પની ખાનગી સેના ન બનવું જોઈએ.

એટીએફ વડા તરીકે પણ ચાર્જ સોંપાશે?
દરમિયાન અહેવાલ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ નવા વરાયેલા FBIના ડિરેક્ટર કાશ પટેલને બ્યુરો ઓફ આલ્કોહોલ, ટોબેકો, ફાયરઆર્મ્સ અને એક્સ્પ્લોઝિવ્સ (ATF)ના એક્ટિંગ હેડ બનાવે એવી શક્યતા છે. આ એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ હેઠળ કાર્યરત છે. કાશ પટેલે આ પહેલાંના ટ્રમ્પના કાર્યકાળમાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં ત્રણ વર્ષ સુધી ટ્રાયલ એટર્ની તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેમને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ, ઓફિસ ઓફ ધ ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સમાં મહત્ત્વની ભૂમિકા સોંપાઇ હતી. કાશ પટેલે તેમની કરીઅરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પના મહત્ત્વના સાથીઓ રિક ગ્રેનેલ અને ડેવિન નનેસ વગેરે સાથે પણ કામ કરી ચૂક્યા છે.

કાશ પટેલને બોલિવૂડ સ્ટાઇલમાં અભિનંદન
રાષ્ટ્રપતિ ટ્રમ્પના ખાસ સહયોગીઓમાંના એક એવા કાશ પટેલ FBIના ડાયરેક્ટર બનતા જ વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ડેન સ્ક્વિર્તોએ તેમને બોલિવૂડ સ્ટાઈલમાં અભિનંદન આપ્યા હતા. તેમનો અભિનંદન આપવાનો અંદાજ સોશિયલ મીડિયામાં લોકોને ખૂબ પસંદ પડ્યો છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયેલા 147 સેકન્ડના આ વીડિયોને થોડાક જ કલાકોમાં 3 મિલિયનથી વધુ વ્યુ અને 10 હજારથી વધુ લાઇક મળ્યા હતા. વીડીયોમાં બાજીરાવ મસ્તાનીના આ બહુ જ જાણીતા ગીતમાં રણવીરના સ્થાને વીડિયો મિક્સિંગથી કાશ પટેલનો ચહેરો મૂકીને તેમને મલ્હારી ગીત ગાતા દર્શાવવામાં આવ્યા છે.

કાશ પટેલની નિમણૂકની સાથે સાથે...

• નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અને પેન્ટાગોનમાં ડેપ્યૂટી રહી ચૂક્યા છે કાશ પટેલ
• ટ્રમ્પે પહેલા કાર્યકાળના અંતમાં 2020માં કાશ પટેલને એફબીઆઈ ચીફ બનાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ જરૂરી સમર્થનના અભાવે આ શક્ય બન્યું નહોતું.
• કાશ પટેલ FBI હેડ ક્વાર્ટરને બંધ કરી ત્યાં મ્યુઝિયમ ખોલવાનું વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે.
• એફબીઆઈની કાર્યપ્રણાલીમાં પારદર્શિતાના હિમાયતી કાશ પટેલ કાર્યોને સીમિત કરવા માંગે છે.
• એફબીઆઈ પાસે ટ્રમ્પની વિરુદ્ધ સિક્રેટ ફાઈલને પોતાના ફ્લોરિડાવાળા નિવાસસ્થાને લઈ જવાનો મામલો ચાલી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter