આણંદઃ ગુજરાત સરકાર રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર, રાજ્યની પ્રજામાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તેમજ તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજનું નિર્માણ થાય તે માટે રાજ્યના દરેક તાલુકામાં ફિટનેસના સાધનો સભર સ્વાસ્થ્ય કેન્દ્રો ઊભા કરવા માટે આયોજન કરાયું છે. જેમાં રાજ્યના કુલ ૪૦ તાલુકાઓમાં સ્વામી વિવેકાનંદ યુવક મંડળોના સહયોગથી પી.પી.પી. મોડથી સ્વાસ્થ્ય કેન્દ્રો ઊભા કરવા આપ્યા છે. આણંદ જિલ્લામાં રમત-ગમત યવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા ભરોડા વિનય મંદિર, ભરોડામાં તાલુકા જીમ (યુવાનો માટે કસરતના સાધનો સાથે) સેન્ટરનો જિલ્લા કલેક્ટર આર. જી. ગોહિલે પ્રારંભ તાજેતરમાં કરાવ્યો હતો. કલેક્ટરે કસરતના વિવિધ સાથનોનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓએ જાતે પણ કેટલાક કસરતના સાધનો ઉપર હાથ અજમવ્યો અને કસરત કરી હતી. આ પ્રસંગે સીવીએમ, વિદ્યાનગરના પ્રમુખ ભીખુભાઈ પટેલ, પ્રાંત અધિકારી જે.સી. દલાલ, ગ્રામજનો, યુવક મંડળોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હાલ આ જિલ્લાનું ચોથું કેન્દ્ર છે અને તેમાં ૩૧ જેટલા કસરતના સાધનો છે.