વડોદરાઃ પારૂલ યુનિવર્સિટીમાં આવેલા પોતાના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરીને ભાગી છૂટેલા ડો. જયેશ પટેલને ૨૧મી જૂને રાતે સાડાદસ વાગે વડોદરા ગ્રામ્ય એલસીબીએ આણંદના આસોદર ખાતેથી ઝડપી પાડ્યા હતા. ડો. જયેશ કારમાં પસાર થવાના છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને સંકજામાં લીધા હતા. ૧૬મી જૂને નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ૧૮મી જૂને વિદ્યાર્થિની અને તેના પરિવાર દ્વારા વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. પોલીસ ફરિયાદ થતાં જ જયેશ પટેલ ભાગી છૂટ્યા હતા.
વડોદરા ગ્રામ્ય પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એટીએસને પણ પટેલને પકડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જયેશે તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હોવાથી તેનું લોકેશન પણ પકડાઈ શકતું ન હતું. અલબત્ત પટેલે પર્સનલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. જે નંબર વડોદરા ગ્રામ્ય એલીસીબીને મળ્યો હતો. જે નંબર ટ્રેસ કરતાં રાજસ્થાનનું લોકેશન મળ્યું હતું. એ પછી એલસીબીની ટીમે આણંદના આસોદર રોડ પર વોચ ગોઠવી દીધી હતી. દરમિયાન રાતે સાડાદસ વાગે જયેશ પટેલ કારમાં પસાર થતા હતા ત્યારે પોલીસે તેને ઝડપી પાડ્યા હતા.
ડો. જયેશ પટેલે માફી માગી
આ ઘટના પછી ડો. જયેશ પટેલ પોતાના દુષ્કર્મકાંડની માફી માગતા હોય તેવી વીડિયો ક્લિપ વાયરલ થઈ છે. વીડિયો મુજબ ૧૬મીએ પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ ૧૭મીની રાત્રે પટેલે પીડિતાને ફરી વખત બોલાવી હતી. એ વખતે પીડિતાએ પોતાનાં ફિયાન્સનો ફોન ચાલુ રાખ્યો હતો. ૧૭મીની રાત્રે પીડિતા અને ડો. જયેશ પટેલ વચ્ચે જે કાંઈ થયું તેનું રેકોર્ડિંગ એ ફોનમાં કરાયું હતું અને તરત જ આ બાબતે અભયમને જાણ કરવામાં આવી હતી અને કાર્યકરો પારૂલ કેમ્પસમાંથી પીડિતાને પોતાની સાથે લઈ ગયા હતા. એ પછી પીડિતાના પરિવારજનો પારૂલના કેમ્પસમાં ગયા હતા. રોષે ભરાયેલા પરિવારજનોને સ્ટાફ ક્વાટર્સમાં લઈ જવાયા હતાં. અહીં ડો. જયેશ પટેલને બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થિનીના પરિવારજનોએ ડો. જયેશ પટેલને તેણે આચરેલાં કુકર્મ બદલ બેફામ ગાળો ભાંડી હતી. આ સમયે ડો. જયેશ પટેલે બે હાથ જોડીને કરગરીને પરિવારજનોની માફી માગી હતી. એક સમયે તો ડો. જયેશ પટેલ વિદ્યાર્થિનીના પરિવારજનોના પગે પડતાં હોય તેવા દૃશ્યો સર્જાયાં હતાં. દરમિયાન ડો. જયેશ પટેલની સાગરીત ભાવના ચૌહાણને પણ બોલાવવા માટે પરિવારજનોએ દબાણ કર્યું હતું.
વીડિયોમાં જયેશ પટેલની કબૂલાતનો પુરાવોઃ IG
ડો. જયેશ પટેલ પીડિતાના પરિવારજનો સામે હાથ જોડીને માફી માગી રહ્યા છે તેવી વીડિયો ક્લિપ એટલે કે વીડિયોની ટ્રાન્સસ્ક્રિપ્ટનો અહેવાલ પ્રસિદ્ધ થતાં રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ ક્લિપ બહાર પડતાં વડોદરા રેંજ આઈજીએ તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. આઈ.જી.એસ મલેકે જણાવ્યું હતું કે, પીડિતાનું નિવેદન, મેડિકલ રિપોર્ટ અને વીડિયોની તપાસ તો થશે જ સાથે સાથે વીડિયોમાં ડો. જયેશ પટેલની કબૂલાત પણ છે. જેનો પુરાવા તરીકે ઉપયોગ થશે. વીડિયો અને ઓડિયો ક્લિપ ચકાસણી માટે ગાંધીનગર એફએસએલમાં મોકલાશે. બીજી તરફ પોલીસ પંચનામા સમયે સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે હાજર રહેનાર વિજિલન્સ ઓફિસર અને નિવૃત્ત ડીવાયએસપીની પણ પૂછપરછ થશે. પુરાવાના ચેડા કર્યાં અંગે પણ તપાસ કરવામાં આવશે. પુરાવા સાથે ચેડા કરનારને પોલીસે છોડશે નહીં. દરેક પાસાઓની તપાસ જારી છે.