પારૂલ યુનિવર્સિટીમાં આવેલા પોતાના રૂમમાં નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરીને ભાગી છૂટેલા ડો. જયેશ પટેલને ૨૧મી જૂને રાતે સાડાદસ વાગે વડોદરા ગ્રામ્ય એલસીબીએ આણંદના આસોદર ખાતેથી ઝડપી પાડ્યા હતા. ડો. જયેશ કારમાં પસાર થવાના છે, તેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેને સંકજામાં લીધા હતા. ૧૬મી જૂને નર્સિંગની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યા બાદ ૧૮મી જૂને વિદ્યાર્થિની અને તેના પરિવાર દ્વારા વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ થઈ હતી. પોલીસ ફરિયાદ થતાં જ જયેશ પટેલ ભાગી છૂટ્યા હતા.
• આણંદ તાલુકામાં રૂ. ૩.૯૨ કરોડના વિકાસ કાર્યોને મંજૂરીઃ રાજ્યના માર્ગ મકાન પ્રધાન નીતિનભાઈ પટેલે આણંદ તાલુકાના પંચાયત હસ્તકના રોડના કુલ ૩.૯૨ કરોડના કામોને મંજૂરી આપતાં ભાજપ પરિવાર તથા પ્રજાજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આણંદ તાલુકાના જે રોડ મંજૂર કરાવ્યા છે તેમાં ૧૨૭.૪૧ લાખના ખર્ચ જાળ સંદેશર રોડ તેમજ રૂ. ૯૧.૨૬ લાખના ખર્ચે નાપા મેઘવા ગાના રોડનું રીસરફેસીંગ તથા જરૂરી મજબૂતીકરણ કરવામાં આવશે.
• વડોદરા જમીનકાંડમાં ક્રાઈમ બ્રાંચના પૂર્વ PI રાહુલ પટેલ સસ્પેન્ડઃ સયાજીપુરા ગામની જમીન રૂ. ૩૫ કરોડમાં પડાવી લેવાના કૌભાંડમાં સંડોવાયેલા ક્રાઇમ બ્રાંચના પૂર્વ પીઆઈ રાહુલ પટેલને ૨૦મી જૂને સસ્પેન્ડ કરવાનો હુકમ પોલીસ કમિશનરે કર્યો હતો. પીઆઈ રાહુલ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થતાં જ માદગીની રજા પર ઊતરી ગયા છે. ક્રાઈમ બ્રાંચના પૂર્વ પીઆઈ રાહુલ પટેલે તેમના પિતરાઈ ભાઈ ભદ્રેશ દેસાઈ તેમજ અશ્વિન સરધરા, સુનીલ અને સુરેશ પાનસુરિયા સાથે મળી સયાજીપુરાની રૂ. ૫૩ કરોડની જમીન રૂ. ૩૫ કરોડમાં પડાવી હતી.