વડોદરાઃ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પારૂલ યુનિવર્સિટીના મુખ્ય સંચાલક ૬૬ વર્ષના ડો. જયેશ પટેલે પારૂલ યુનિવર્સિટીના નર્સિંગની વિદ્યાર્થિની પર બળાત્કાર કર્યાની વિગતો ૧૬મી જૂને બહાર આવતાં ભાજપે તેમનું પ્રાથમિક સભ્યપદ રદ કર્યું છે. જયેશ પટેલ સામે નર્સિંગની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી અને જયેશ પટેલ પર ફોજદારી કેસ પણ દાખલ થયો હોવાથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી શકે છે તેમ વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમાએ ૧૬મી જૂને જણાવ્યું હતું. બીજી બાજુ પોતાના પર બળાત્કારનો આક્ષેપ થતાં ડો. જયેશ પટેલ ગાયબ થઈ ગયા હતા. પોલીસે ૨૦મી જૂને જણાવ્યું હતું કે, જયેશ પટેલની શોધખોળ ચાલુ છે અને હજી તેમની ધરપકડ કરી શકાઈ નથી.
મેડિકલ રિપોર્ટ પોઝિટિવ
ફરિયાદી યુવતીની ૧૮મી જૂને મેડિકલ તપાસ કરાઈ હતી. તબીબોએ યુવતીના નખ, વાળ, લાળ, બ્લડ સહિત ૭ જેટલા નમૂના લીધાં હતાં. ૧૯મીએ સયાજી હોસ્પિટલના ગાયનેક વિભાગે વાઘોડિયા પોલીસ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રિપોર્ટ મોકલી આપ્યો હતો. આ રિપોર્ટમાં યુવતી સાથે બળજબરી થઇ હોવાના નિશાન મળ્યા હોવાનું જણાવ્યું હતું.
ભાવના ચૌહાણની ધરપકડ
જિલ્લા એલસીબી પોલીસે ૧૯મી જૂને સાંજે યુવતીને જયેશ પટેલ પાસે લઇ જનારી હોસ્ટેલની રેકટર ભાવના ચૌહાણની માણસાથી ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાવના ચૌહાણે એવું જણાવ્યું હતું કે, હું યુવતીને જયેશ પટેલ પાસે લઇ ગઇ હતી તે મારી ભૂલ હતી. ભાવનાએ એવું પણ કહ્યું હતું કે, જયેશ પટેલ વારંવાર યુવતીઓને તેમની પાસે મોકલવાનું જણાવતા હતા અને હું યુવતીઓને જયેશ પટેલ પાસે લઇ જતી હતી. જયેશ પટેલ અને ભાવના ચૌહાણ મહેસાણાના વતની હોવાથી પોલીસે ઘટના બાદ મહેસાણા પહોંચીને તપાસ શરૂ કરી હતી. દરમિયાન મોબાઇલના લોકેશનના આધારે ભાવના ચૌહાણ માણસામાં છુપાઇ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ માણસામાં ડાહીબહેન પટેલ નામનાં વિધવા સંબંધીના ઘેર પહોંચી હતી અને ભાવના મંગળદાસ ચૌહાણ (રહે, ગોકુલધામ સોસાયટી, ઉંઝા)ની ધરપકડ કરીને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ભાવનાએ પહેલાં લૂલો બચાવ કર્યો હતો કે, પટેલ તેની પાસે યુવતીઓને મોકલવા કહેતા અને તે યુવતીઓને લઇને તેમની પાસે જતી હતી. ત્યારબાદની ઘટનાની તેને કોઈ જાણકારી હોતી નહીં.
‘યુનિ.ની માન્યતા રદ થઈ શકે’
ઘટના બાદ યુનિવર્સિટીની માન્યતા રદ કરવા સહિતના પગલાં લેવા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આદેશ આપ્યો છે. બીજી તરફ ફરાર ડો. જયેશ પટેલ વિદેશ ભાગી ન જાય તે માટે પોલીસ દ્વારા એરપોર્ટ સેવાને સાવચેત કરવામાં આવી છે.
ચાર વિદ્યાર્થિનીઓનાં નિવેદન
આ ઘટનાની ખબરો ફેલાતાં દુષ્કર્મની પીડિતા સહિત ચાર અન્ય વિદ્યાર્થિનીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યાં છે. પારૂલ યુનિવર્સિટીમાં નર્સિંગની વિદ્યાર્થિની પર ડો. જયેશ પટેલે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાયા પછી કોલેજમાં અભ્યાસ કરતી તેમજ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલી પૂર્વ વિદ્યાર્થિનીઓની પણ હિંમત ખૂલી હતી. પારૂલ યુનિ.ના ફિઝિયોથેરાપી વિભાગની એક પૂર્વ વિદ્યાર્થિની તેમજ હાલ મુંબઇમાં રહીને મોડેલિંગ ક્ષેત્રે સંકળાયેલી વડોદરાની મોડેલ એશરા પટેલે પણ ડો. જયેશ પટેલ સામે આક્ષેપો કર્યાં હતાં કે, જયેશ પટેલ દ્વારા અમદાવાદની એક ક્લબમાં તેની પાસે સેક્સની માગણી કરવામાં આવી હતી. એક પૂર્વ વિદ્યાર્થિનીએ એવું જણાવ્યું કે, તે જ્યારે પારૂલ યુનિ.માં અભ્યાસ કરતી હતી ત્યારે પટેલ વારંવાર માનસિક તેમજ શારીરિક રીતે તેને હેરાન કરતા હતા.