વડોદરાઃ હરિયાણામાં તાજેતરમાં જ યોજાયેલી નેશનલ શૂટિંગ ચેમ્પિયશીપમાં સિનિયર વુમન કેટેગરીમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ ટીમમાં વડોદરાની બે અને અમદાવાદની એક મળીને કુલ ત્રણ યુવતીઓ હતી જે પૈકી વડોદરાની પુલકિતા નિમ્બાવાલે ભાડાની રાઈફલ લઈને ચેમ્પિયનશીપમાં ભાગ લીધો હતો. પુલકિતાના પિતા ગેરેજ ચલાવે છે. પુલકિતા આર્ટ્સ ગ્રેજ્યુએશનના પ્રથમ વર્ષમાં હતી ત્યારે તેણે એનસીસી તરફથી રાઈફલ તાલીમમાં ભાગ લીધો હતો અને ત્યારથી તેને રાઈફલ શૂટિંગમાં રસ જાગ્યો હતો. વર્ષ ૨૦૧૧થી તે રાઈફલ શૂટિંગની તાલીમ લે છે.
પુલકિતા કહે છે કે, હરિયાણામાં ૩૦૦ મીટરની રેન્જમાં નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જેમાં સિનિયર વુમન કેટેગરીમાં મારી સાથે વડોદરાની અંજુ શર્મા અને અમદાવાદની મિત્તલ ગોહિલ હતી. આ એક ટીમ ઈવેન્ટ હતી. દેશના દરેક રાજ્યોમાંથી ટીમ આવી હતી. આ ઈવેન્ટમાં અમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. પુલકિતાએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૧૫માં મને ઓએનજીસીએ રાઈફલ ગિફ્ટ આપી હતી પરંતુ તે ૫૦ મીટર રેન્જની છે તેના પર જ હું પ્રેક્ટિસ કરું છું. આ સ્પર્ધા ૩૦૦ મીટર રેન્જની હતી. જે માટેની રાઈફલ રૂ. ૫થી ૬ લાખની આવે છે. મારી એટલી શક્તિ નથી કે હું તે ખરીદી શકું એટલે ભાડાની રાઈફલ લીધી હતી. મને છેલ્લા ત્રણ મહિનાથી વ્યારાની એક શાળામાં શૂટિંગ કોચ તરીકે જોબ મળી છે, પણ મારો ધ્યેય નેશનલ-ઈન્ટરનેશનલ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવવાનો છે કેમ કે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ આખરે ગોલ્ડની સામે હારેલા જ છે.