આણંદઃ ભાદરણના સેવાભાવી વૈદ્યરાજ સ્વ. કીકાભાઈ હિંમતલાલ વૈદનું જૈફવયે અવસાન થતાં સદ્ગતને સ્મરણાંજલિ એવું મરણોત્તર સન્માન અર્પવા પ્રાર્થનાસભાનું આયોજન સમસ્ત ભાદરણ ગામના નાગરિકો દ્વારા બ્રાહ્મણની ધર્મશાળા ખાતે થયું હતું. આ પ્રસંગે તમાકુના વેપારીઓ મહેન્દ્રભાઈ ચુનીભાઈ પટેલ તથા શૈલેષભાઈ રામભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ નિમિત્તે બ્રહ્મસમાજના અગ્રણી રમણલાલ બેચરલાલ શાસ્ત્રી, જ્યોતિષાચાર્ય ઠાકોરભાઈ શાસ્ત્રી તથા ગામના સરપંચે સ્વ.ને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે સ્વ. કીકાભાઈ વૈદની સેવાની કદર રૂપે મરણોત્તર સન્માનપત્ર તેમના દીકરા ભાવેશભાઈને સમસ્ત ભાદરણ ગામના નાગરિકો તથા ભાદરણ બ્રાહ્મણબંધુ સમાજ દ્વારા અર્પણ કરાયું હતું.
લવ જેહાદની ઘટનામાં નડિયાદ બંધનું એલાનઃ નડિયાદ શહેરના પીજ રોડના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની પાછળ રહેતા એક પરિણિત મુસ્લિમ આધેડે એક હિન્દુ યુવતિને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. શહેરમાં અને જિલ્લામાં આ ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. જેના પરિણામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવા લવ જેહાદ સામે બુલંદ અવાજ ઉઠાવવા માટે અને ભારતીય સંસ્કૃતિ તથા હિન્દુ વિચારધારાને બચાવવા સોમવારે નડિયાદ બંધનું એલાન આપ્યું હતું. પરુણિત આધેડ મુસ્લીમ માસુમ કાળુભાઈ મહિડાએ મૂળ મહુધાની અને નડિયાદમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી ભગાડી ગયો છે. આ ૨૧ વર્ષીય યુવતી મેડિકલ લાઈનમાં અભ્યાસ કરતી હતી. અભ્યાસમાં નિપુણ હતી. સારા સંસ્કારી અને ઉચ્ચ પરિવારની પટેલ દીકરીને આ આધેડ ભગાડી જતાં સમગ્ર પટેલ સમાજમાં પણ ભારે સોંપો પડી ગયો છે. આ સંદર્ભે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરાઈ છે.
આણંદની એકતા શાહની સિદ્ધિઃ આણંદની એકતા શાહ અમેરિકામાં રોચેસ્ટર ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં એેસ્ટ્રોફિઝિક્સમાંથી પીએચ.ડી. કરશે. આ માટે એક્તાએ વિશ્વકક્ષાની ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન(જીઆરઇ)માં ૯૦ પર્સન્ટાઇલ મેળવી તેને અમેરિકામાં સ્ટડી માટે સંપૂર્ણ સ્કોલરશિપ મળી છે, જે મોટી વાત છે. એક્તાના પિતા અર્જુનભાઇ સેલ્મમેન છે અને માતા લત્તાબહેન સિલાઇકામ કરે છે. એકતાએ પોતાની આંતરિક સૂઝબૂઝથી વગર ટયૂશને ધોરણ ૧થી ૧૨ અભ્યાસ કરી બીએસ.સી કરી આઇઆઇટીમાં ફિઝિક્સ સાથે માસ્ટર પૂર્ણ કર્યું છે. તે હવે સંપૂર્ણ સ્કોલરશિપ સાથે ઉચ્ચ અભ્યાસ કરશે.