વડોદરાઃ નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોડેલ યુનાઇટેડ નેશન્સનું ૪ સપ્ટેમ્બરે પહ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માનવતા તથા લોકોમાં ધર્મ અને તેના લીધે થતી ઓળખાણની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. વૈશ્વિક મુદ્દામાં રેફ્યુજીઓની સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘યુરોપના દેશોને બીક છે કે વધારે રેફ્યુજીઓને સહારો આપવાથી તેમના દેશ અને સંસ્કૃતિમાં અસર થઇ શકે છે. ભારત અને ચીને પણ સમસ્યામાં આગળ આવવું જોઇએ અને રેફ્યુજીઓને સહારો આપવો જોઇએ.’ લોર્ડ પારેખે કટ્ટરવાદી સંગઠન આઇ.એસ.આઇ.એસ. અંગે કહ્યું હતું કે, ભારતમાં હજુ સંગઠનનો પ્રભાવ નથી પરંતુ તેનાથી ચેતવાની જરૂર છે. એક અહેવાલ મુજબ કેટલાક ભારતીય મૂળના લોકોને આઇ.એસ.આઇ.એસ.એ રિક્રુટ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. તે ચિંતાનો વિષય છે કેમ કે આટલી મોટી આબાદી ધરાવતા દેશનો જો એક ટકો પણ તેનાથી આકર્ષાઇ જાય તો સમસ્યા ચોક્કસ થવાની પરંતુ હાલમાં તો કોઇ સમસ્યા નથી.
...તો વૈષ્ણવજનને હું રાષ્ટ્રીય ભજન બનાવુંઃ પૂ. મોરારિબાપુએ વડોદરામાં હરતો ફરતો ગીરનાર, નરસિંહ મહેતા વિષય પર ૪ સપ્ટેમ્બરે વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ...’ એ સામાન્ય ભજન નથી પણ તેના ૧૮ પદો ગીતાનાં ૧૮ અધ્યાય છે અને એટલે તે વૈશ્વિક વૈષ્ણવી ગીતા છે તેવું હું સ્પષ્ટપણે માનું છું. વૈષ્ણવજન તો વૈશ્વિક ચેતનાનું ભજન છે. આપણી પાસે રાષ્ટ્રગીત તો છે પણ જો મારું ચાલે તો આ ભજનને રાષ્ટ્રીય ભજન બનાવી દઉં.’ નરસિંહ મહેતાને પરમ વૈષ્ણવ ગણાવતા બાપુએ કહ્યં હતું કે, હું દામાકુંડીય અને ગીરનારી ચેતનાને પ્રણામ કરું છું મને નરસૈયો એટલા માટે ગમે છે કે તેને ૬૦૦ વર્ષ થયા અને તુલસીદાસજીને ૫૦૦ વર્ષ થયા બંને વચ્ચે ૧૦૦ વર્ષનો ગાળો છે પણ નરસિંહે વૈષ્ણવજનમા જે પદો ગાયા છે તેના તમામ સૂત્રો તુલસીદાસજીએ રામાયણમાં સમાવ્યા છે.
વડા પ્રધાને પાદરાના પીટી શિક્ષકને યાદ કર્યાઃ શિક્ષકદિનની પૂર્વ સંધ્યાએ નવી દિલ્હીમાં બાળકો સાથે યોજાયેલી એક ચર્ચામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા નજીક આવેલા પાદરાના વતની એવા તેમના વ્યાયામ શિક્ષકને ખાસ યાદ કર્યા હતા. સોનિયા નામની એક વિદ્યાર્થિનીએ મોદીને સવાલ કર્યો હતો કે તમને કઇ રમત પસંદ છે? તેનો જવાબ આપતાં તેમણે કહ્યું કે, રાજકારણીઓ શું રમતા હશે? તે તો બધાને જાણ છે. પરંતુ હું તો એક નાના ગામમાંથી આવ્યો હતો ત્યાં રમતનું કોઇને જાણકારી જ ના હોય. ઝાડ પર ચડી જવું, લટકવું, કૂદવું તે અમારે માટે રમતો હતી, વધુમાં વધુ કબડ્ડી કે ખોખો સ્કુલમાં રમતા હતા. મારે તો કપડા હાથે ધોવા પડતા એટલે તળાવ પર જવું પડતું હતું તેના કારણે તરતા આવડી ગયું હતુ. જે મારા માટે આદત બની ગઇ હતી. આ અરસામાં પરમાર સાહેબ પીટી શિક્ષક તરીકે આવ્યા હતા. તેઓ વડોદરા પાસેના પાદરાના હતા. તેઓ આજે ક્યાં છે તેની મારી પાસે માહિતી નથી. તેમને શોધ્યા પણ મળ્યા નથી. આ પરમાર સાહેબે વ્યાયામ શાળા શરૂ કરી હતી. તેમાં મલખમ શીખવા માટે સવારે પાંચ વાગે હું જતો હતો. તેમના કારણે હું થોડું મલખમ શીખી શક્યો હતો. આ પરમાર સાહેબને યાદ કરીને વડાપ્રધાન મોદીએ વડોદરા, પાદરા અને તેમના પૂર્વ શિક્ષકને યાદ કર્યા હતા.