વડોદરાઃ ભારતમાં પ્રથમવાર વડોદરાનું જૈન દેરાસર વાઈફાઈ સુવિધાથી સજ્જ થયું છે. અતિ પ્રાચીન આ દેરાસરમાં જૂની પરંપરા જાળવી નવી પેઢીને પણ ધર્મ સાથે જોડવા વાઈફાઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.
શહેરના કોઠીપોળ વિસ્તારમાં આવેલું ૪૫૦ વર્ષ જૂના આ દેરાસરમાં શાંતિનાથ અને નેમિનાથ ભગવાન બિરાજે છે. ૮૦ વર્ષ પહેલાં દેરાસરનો જિર્ણોદ્ધાર કરાયો હતો અને છેલ્લા એક વર્ષથી તેના નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. દેરાસરની છત અને દિવાલો પર શુદ્ધ સોનાની શાહીથી ચિત્રો બનાવાયા છે. એક જૈન અગ્રણીએ જણાવ્યું હતું કે, જૈન ધર્મએ તેની પ્રાચીન પરંપરા હજુ પણ યથાવત રાખી છે. હજારો વર્ષ પહેલાં જે રીતે સાધુ-સાધ્વીજીઓ અને મુમુક્ષુઓ જીવન વ્યતિત કરતા હતા તે રીતે જ આજે પણ તેઓ જીવન જીવી રહ્યા છે. પ્રાથમિક તબક્કામાં રોજ સાંજે ૫થી ૭-૩૦ દરમિયાન વાઈફાઈનો ઉપયોગ કરી શકાશે. દેરાસરમાં આવનાર તમામ લોકોને પાસવર્ડ મળશે અને તેઓ વાઈફાઈનો અમર્યાદિત ઉપયોગ કરી શકશે. એટલું જ નહીં પણ દાતાઓ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી દાન આપી શકે તે માટે પીઓએસની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે, એટલે કાર્ડ સ્વાઈપ કરતાની સાથે જ દાતાના બેંક ખાતામાંથી નિશ્ચિત રકમ ટ્રસ્ટના ખાતામાં જમા થશે.