આણંદઃ અમેરિકા પાસે ડોમિનિકન રિપબ્લિક ખાતેના મકાઉ બીચ પર રજા ગાળવા ગયેલા મૂળ ચરોતરના ચાર અમેરિકન સભ્યો દરિયામાં તણાયા હોવાની દુર્ઘટના ઘટી છે. તણાયેલા લોકોમાં નવદંપતી સહિત પિતરાઈ ભાઈઓનો સમાવેશ થાય છે. જે પૈકીનો એક વડોદરાનો જમાઈ છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ તેના પરિજનો અમેરિકા પહોંચી ગયા છે. દક્ષિણ આફ્રિકાથી લંડન અને અમેરિકામાં સ્થાયી થયેલો આ પરિવાર ચરોતર સાથે સંકળાયેલો છે. બાર લોકોનું એક ગ્રૂપ વેકેશન માણવા સાન્તા ડોમીગ્નોથી લગભગ ૨૧૫ કિલોમીટર દૂર આવેલા બાવેરોના એક રિસોર્ટ પર ગયું હતું. આ આયરેલન્ડના પૂર્વ ભાગમાં આવેલા મકાઉ બીચ પર ૧ માર્ચે સમુદ્રમાં ગયા હતા. જેમાં શિવાંગ પટેલ (૩૦), જય પટેલ (૨૬), કુશ પટેલ (૨૭) તથા કાજલ પટેલ (૨૭) તણાયા હતા.
જય પટેલ વડોદરાના બિઝનેસમેન તથા અનેક સંસ્થાઓની સાથે જોડાયેલા મુકેશ પટેલના જમાઈ છે. જ્યારે કુશ પટેલના પિતા સુમંત પટેલે ડોમિનિકન મીડિયાને જણાવ્યું કે, કુશ અને કાજલના તો થોડા સમય અગાઉ જ લગ્ન થયા હતા. સમુદ્રમાં પાણીના તરંગોમાં ફસાયેલા દંપતીને બચાવવા માટે શિવાંગ અને જય પડ્યા હતા. તેમાં તેઓ પણ તણાયા હતા. આ બનાવને શિવાંગની મંગેતર તથા જયનાં પત્નીએ જોયો હતો. પળભરમાં આખી ઘટના બની હોવાનું તેમના પિતરાઈ દ્રુપદ પટેલે જણાવ્યું હતું. જયની પાછળ પત્ની અને બે મહિનાનો દીકરો છે. કુશ ફિલાડેલ્ફિયામાં રહેતો હતો જ્યારે તેની પત્ની કાજલ પ્રિસ્નસ્ટન રહેતી હતી. ગત નવેમ્બરમાં જ તેમના લગ્ન થયા હતા.