વડોદરાઃ વડોદરા જિલ્લાની દેવ નદીમાં તાજેતરમાં કપડા ધોવા ગયેલી મહિલાને મગર તાણી જતાં લોહીલુહાણ મહિલાનું આખરે સારવાર દરમિયાન મોત થયું છે.
વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે દેવનદીમાં તાજેતરમાં બપોરે કપડા ધોવા ગયેલાં ૬૫ વર્ષીય ઝવેરીબહેન લક્ષ્મણભાઇ પરમારના પગ પર હુમલો કરી મગર પાણીમાં તાણી જતા મહિલાએ મુકાબલો કર્યો હતો. એક તબક્કે ગામજનો પણ નદીમાં ઉતરી પડયા હતા અને પથ્થરો મારી મગરને પકડવાનો પ્રયત્ન કર્યો હતો. હિંમતવાન મહિલા મગર સામે ઝઝૂમી હતી, પરંતુ મગરે તેમનાં ફેફસાંના ભાગને ચીરી નાંખતાં નદીમાં લોહીના ફુવારા ઉડયા હતા. જોકે સતત હુમલા કરવાથી આખરે મહિલાને છોડીને મગર પાણીમાં જતો રહ્યો હતો. ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
૧૫ કિમી વિસ્તારમાં ૩૧ મગરોનો વસવાટ
વાઘોડિયાની દેવ નદીમાં વારંવાર માનવી પર હુમલો કરનાર મગરને પકડવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. વાઘોડિયા તાલુકામાં વલવા ગામેથી ફલોડ ગામ વચ્ચે તાજેતરમાં મગરોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં ૧૫ કિમી વિસ્તારમાં કુલ ૩૧ મગરો વસવાટ કરતા હોવાની વિગતો બહાર આવી છે. વારંવાર માનવી પહ હુમલો કરનાર અને મહિલાનો જીવ લેનાર ૧૨ ફૂટના મહાકાય મગરને પકડવા માટે આખી રાત જીવદયા સંસ્થા કાર્યકરોએ પ્રયત્નો કર્યા હતા પરંતુ મગર પકડાયો નહોતો. આખરે ફોરેસ્ટ વિભાગે ચાર પાંજરા મૂક્યા છે.