પાદરા તાલુકાના મેઢાદ ગામે એક સામાન્ય મહિલાની હિંમત અને બહાદુરીને કારણે મગરના મોઢામાં ફસાયેલો યુવાન મુક્ત થયો છે. મેઢાદ ગામનો યુવાન વિશ્વામિત્રી નદીના સામેના કિનારે ભેંસો ચરાવી પાછો ફરી રહ્યો હતો. ત્યારે નદીની વચોવચ મગરે તેની ઉપર હુમલો કર્યો. તેની બૂમો સાંભળી કિનારે કપડા ધોઈ રહેલી મહિલાએ હાથમાં પાયો લઈ નદીમાં ઝંપલાવ્યું હતું અને મગરના મોંઢા ઉપર પાયાથી અનેક ઘા મારી યુવાનને છોડાવ્યો હતો. તેણે યુવાનને બહાર લાવી ગામમાંથી અન્યોને બોલાવીને ઈજાગ્રસ્ત યુવાનને ૧૦૮ એમ્બ્યુલન્સમાં વડોદરા લઈ ગયા હતા. જ્યાં તેની હાલત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
શહીદોના પરિજનોને શૂરવીર રજતપત્ર એનાયતઃ આણંદ શહેરની વિવિધ સંસ્થાઓ તથા વહીવટી તંત્ર દ્વારા દેશ માટે જીવ આપનારા ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના પરિવારજનોને શૂરવીર રજતપત્ર અર્પણ કરી સન્માનવામાં આવ્યાં હતાં. ૨૩ માર્ચે આણંદમાં યોજાયેલા આ કાર્યક્રમનું મશાલ પ્રગટાવીને ઉદઘાટન સ્વામી ધર્મબંધુજી, પશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહક, આર.એસ.એસ. ડો. હરિન્દ્ર ત્રિપાઠી, ભાર્ગવભાઈ ભટ્ટ, પુરૂષોત્તમ રૂપાલાએ કર્યું હતું. આ પ્રસંગે સુખદેવના પરિવારના અનુજ થાપર (આઝાદ) પ્રપૌત્ર, ક્રાંતિકારી ભગતસિંહના પરિવારના કિરનજીતસિંહ સંધુ, મનજીત કૌર, અનુષ્કા સંધુ તથા શાન્તાનુ રાજગુરૂ વિજય યાર્ડી તેમ જ રાજેન્દ્ર યાર્ડીને મહેમાનોના હસ્તે રજતપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.