વડોદરા: વિરોદ ગામમાં નવી નગરીમાં રહેતાં વિદ્યાબેન રાઠોડિયા(ઉ. વ. ૨૬) લાકડાં કાપવા ૨૬મી જૂને સીમમાં ગયાં હતાં. તેમની સાથે તેમના કાકાનાં દીકરી સુધાબહેન મુકેશભાઇ રોઠોડિયા પણ હતાં. પોતાની પાસેનું પીવાનું પાણી ખાલી થઇ જતાં વિદ્યાબહેન નજીકમાં આવેલી નદીમાં પાણી પીવા નીચે ઉતર્યાં હતાં. તેમની બહેન નદીના ભાઠા પર હતી. આ સમયે નદીમાંથી મગરે અચાનક વિદ્યાબહેન ઉપર હુમલો કરીને તેમના પગને પકડીને નદીમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાબહેને બૂમાબૂમ કરતાં નજીકમાં ઉભેલાં સુધાબહેને નદીમાં ઝંપલાવીને પોતાની પાસેની લાકડીથી મગરને માર મારીને બહેનનો પગ છોડાવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલાં વિદ્યાબહેનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.