પેટલાદઃ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગંત કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દત્તક લીધેલ સોજિત્રા તાલુકાના મઘરોલ ગામમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ ઇરાઇનીએ આ ગામની બીજીવાર મુલાકાત લઈને રૂ. ૭.૧૪ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ ૨૧ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે મઘરોલ ગામે આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ કરવાની સાથે ૫૦૦ લાભાર્થીઓને હેલ્થકાર્ડનું વિતરણ કરીને ડોક્ટર ઓન કોલ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. સાથો સાથ પીવાના પાણીની ૫૦૦૦ લીટરની ક્ષમતાવાળી બે ટેન્કરનું લોકાર્પણ કર્યું હતું. જ્યારે આણંદ જિલ્લાના પણસોરા, ડભોઉ, દેવા, અડાસ, ખડોલ, વટાદરા, વડદલા, ખેડા અને કઠાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રૂ. ૬૮ લાખના ખર્ચે આધુનિક નવ એમ્બ્યુલન્સ વાન તથા જલારામ જનસેવા ટ્રસ્ટ ધર્મજને પણ સહાય આપી હતી. આ પ્રસંગે સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, આ સાંસદ યોજના હેઠળ ગ્રામજનો માટેની પાયાની તમામ સુવિધાઓ ઊભી થતાં મઘરોલ ગામ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં આદર્શ ગામોમાં સર્વશ્રેષ્ઠ બનશે.