નડિયાદ: દેશ-વિદેશમાં ઉત્તરસંડા ગામનું નામ પ્રખ્યાત થવાનું મુખ્ય કારણ આ ગામના મઠિયા, પાપડ અને ચોળાફળી છે. દિવાળીના સમયમાં મોટાભાગની દુકાનોમાં મઠિયા, પાપડ, ચોળાફળીનું વેચાણ થાય, પણ દેશવિદેશમાં આ ચીજોની સપ્લાય થાય છે. આ વિસ્તારના વેપારીઓના જણાવ્યા અનુસાર, નડિયાદના સીમાડા પરના ઉત્તરસંડા ગામના પ્રવેશદ્વારથી જ પાપડ, મઠિયા, ચોળાફળીના મસમોટા ઉત્પાદનની ફેક્ટરીની શરૂઆત થાય છે.
હાલમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને શ્રમજીવી પરિવારમાંથી આવતાં અંદાજે ૧૫૦ જેટલાં બહેનો મારફતે રોજના ૪૦થી ૬૦ ટન જેટલો પાપડ, મઠિયા, ચોળાફળીનો જથ્થો તૈયાર કરાવાય છે. દિવાળી નજીક આવશે તેમ તેમ બજારમાં ઘરાકી નીકળવાની આશા રાખી બેઠા છીએ. તેમણે એમ પણ ઉમેર્યું કે, ઓટોમેટિક પ્લાન્ટ મારફતે માલ તૈયાર કરાવાય છે. દશેરા અગાઉથી જ પાપડ, મઠિયા, ચોળાફળીના કાચા માલ અડદદાળ, મગદાળ, તલ, મસાલા, લાલ-સફેદ મરચાં, ખાંડ, પેકિંગ મટિરીયલ્સ વગેરેની તૈયારી કરી દેવાય છે. ઉલ્લેખનીય છે કે, અંદાજે ૧૫૦૦૦થી વધુ વસતિ ધરાવતાં ઉતરસંડા ગામની ઓળખ પાપડ, મઠિયા, ચોળાફળી બની ગઇ છે.