વડોદરામાં ગત સપ્તાહે આતંકવાદની ગતિવિધિ અને વાણી સ્વાતંત્ર્યની મર્યાદા પર વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં શહેરની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર લોર્ડ ભીખુ પારેખ તથા જાણીતા વિચારક -લેખક પદ્મશ્રી ડો. ગુણવંત શાહ વચ્ચે થયેલી ચર્ચામાં આતંકવાદ પર અંકુશ લાવવા પર ભાર મૂકાયો હતો. ડો. શાહે જણાવ્યું હતું કે, આતંકવાદ વગરની કોઈ જ સદી ગઈ નથી. આતંકવાદ એ ૨૧મી સદીનો અભિશાપ છે. આતંકવાદ વિચિત્ર અને ક્રૂરતાના કારખાના જેવો જ છે. તે પછી પેશાવરમાં હોય કે પેરિસમાં હોય, ડેન્માર્કમાં હોય કે પછી ઇરાક-સિરિયાની બોર્ડર પર. ભરૂચના કંથારિયામાં મદ્રેસામાં તેમણે આપેલા ભાષણને યાદ કરતાં કહ્યું હતું કે, ‘ત્યારે મેં જણાવ્યું કે, મોહમ્મદ પયગમ્બરની તલવાર પર લખ્યું છે કે, જે તારા પ્રત્યે બુરાઈ કરે છે તેના પર તું ભલાઈ કર. જે ગુનો કરે છે તેને ક્ષમા આપ. આ વખતે વાણી સ્વાતંત્ર્ય પર મર્યાદા પણ જાળવી હતી, મર્યાદા સૂક્ષ્મ વિવેકનું જ બીજુ નામ છે. આમ મર્યાદા વગરનું વાણી સ્વાતંત્ર્ય દેશનું નખ્ખોદ વાળી શકે તેમ છે.’ લોર્ડ ભીખુ પારેખે કહ્યું હતું કે, ટેરરિઝમ શબ્દ ખતરનાક છે. જોકે, ટેરરની વ્યાખ્યા આઇડિયોલોજિકલ બાયસ હોય છે. તેની સામે બીજી તરફ એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે તેમ છે કે, વાણી સ્વાતંત્ર્ય વિના કોઈ વિજ્ઞાન, કોઈ મેડિસીન આગળ વધી શકે. આપણે સહુએ રિલિજિયન્સમાંથી ચેન્જ લાવવો પડશે. કારણ ટેરરિઝમ માત્ર ઇસ્લામ પૂરતો મર્યાદિત નથી. કાર્ટુન ઉશ્કેરણીજનક હોય છે.
વૃદ્ધાશ્રમ માટે જમીનનું દાન કર્યું
રામનગરના ગાંધીવાદી, મૈત્રી વિદ્યાલયના સ્થાપક, એન.એસ.એસ.ના સેવાભાવી એવા ઉમેદભાઈ ફુલાભાઈ પટેલે રામનગરમાં આવેલી પોતાની વડીલોપાર્જીત કિંમતી જમીનમાંથી પાંચ ગુંઠા જમીનનું દાન વૃદ્ધાશ્રમ બનાવવા માટે કર્યું છે. તેમણ પોતાના સ્વ. પિતા ફુલાભાઈ લલ્લુભાઈ પટેલના પુણ્યાર્થે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શ્રાદ્ધ દિન- ૧૨ ફેબ્રુઆરીએ શ્રી મંજુકેશાનંદ સ્વામી સમાજ સેવા ટ્રસ્ટને આ દાન કરેલ છે. અગાઉ ઉમેદભાઈએ પોતાના સ્વ. માતા કાશીબાના પુણ્યાર્થે ૮૧ ગુંઠા જમીન ગુરુકુલ, ગૌશાળા, વિદ્યાલય તથા એન.એસ.એસ. ભવન બનાવવા માટે દાનમાં આપી છે.