બોરસદઃ તાલુકાના પીપળી ગામના ૩ યુવાનોને મલેશિયામાં બંધક બનાવાયા હોવાની જાણ થતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. જોકે ભારત સરકાર અને ભારતીય હાઇ કમિશનના ત્વરિત પ્રયાસોથી ત્રણેય યુવાનોની મુક્તિ શક્ય બની છે.
બંધક બનાવાયેલા ત્રણ યુવાનો પૈકીના એક યુવાને કોઇક પ્રકારે પોતાનો વીડિયો પરિવારજનને પહોંચાડીને મુક્તિ માટે મદદની માગણી કરી હતી. આ વીડિયો મળતાં જ પરિવારજનોએ આણંદના સાંસદ મિતેષ પટેલનો સંપર્ક કર્યો હતો. તેમણે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરીને જાણકારી આપતાં જ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરીને ત્રણેય યુવાનોને મલેશિયાથી હેમખેમ ભારત પરત લાવવાના પ્રયાસો શરૂ કરાયાં હતાં. આ ત્રણેય યુવાનોને શોધીને ભારતીય એમ્બેસીમાં લઇ જવાયા હતાં. જરૂરી કાર્યવાહી પૂરી થયા બાદ આ યુવાનો પરત ભારત પહોંચશે. આ સમાચાર મળતાં જ ત્રણેય યુવાનોના પરિવારોએ હાશકારો અનુભવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે બોરસદ તાલુકાના પીપળીના ત્રણ યુવાનોએ વિદેશમાં જઈને નોકરી કરી પૈસા કમાવવાના સપના જોયા હતાં. આ યુવકોને વિદેશમાં મોકલવા માટે તેમના પરિવારજનોએ જમીનો પણ વેચીને અને ગીરવે મૂકીને નાણાં મેળવ્યા હતા અને ત્રણેયને મલેશિયા મોકલ્યા હતાં. જોકે ત્યાં ગયા બાદ યુવકોને વચન પ્રમાણે પગાર અપાતો ન હતો તેમ જ છેલ્લા કેટલાક દિવસોથી તેમના ફોન પણ છીનવી લેવાયા હતાં.
ઘણા દિવસો સુધી યુવકો સાથે સંપર્ક નહીં થતા પરિવારજનોમાં ચિંતા પ્રસરી હતી. આ દરમિયાન ગયા બુધવારે - સાતમી ઓગસ્ટે યુવકો ગમેતેમ શેઠની નજર ચૂકવીને ગાડીમાં નીકળી ગયા હતા. આ બાબતની જાણ શેઠને થઇ જતા તે પણ ગાડીની પાછળ પડ્યો હતો. આ સમયે ૧ યુવકે મોબાઈલમાં વીડિયો બનાવી લઇને તેના પરિવારજનોને મોકલી આપ્યો હતો અને મલેશિયામાં તેમને બંધક બનાવ્યા હોવાથી છોડાવવા માટે મદદ મોકલવા જણાવ્યું છે. આ પછી પરિવારજનોએ સ્થાનિક સાંસદ મિતેષ પટેલનો સંપર્ક કરી મદદ માંગી હતી. બાદમાં વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસના પ્રયાસોથી ત્રણેયની મુક્તિ શક્ય બની હતી.
એક યુવકના પિતા અશોકભાઈ પટેલે જણાવ્યું કે અમે મહેનત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવીએ છીએ. અમારા સંતાનો જીવનમાં આગળ વધે અને બે પૈસા કમાય તે માટે અમે જીવનભરની મૂડી ખર્ચી તેઓને એજન્ટ મારફતે મલેશિયા મોકલ્યા હતા. જોકે થોડા સમય બાદ નોકરીદાતા હોટેલમાલિક દ્વારા તેઓનું શોષણ શરૂ થયું હતું. આ વાત તેમણે અમને ફોન દ્વારા જણાવી હતી. આ દરમિયાન અમારા પર એક વીડિયો આવ્યો હતો અને તેમાં યુવકો બંધક બનાવ્યા હોવાનું જણાવ્યું હતું
એક અન્ય યુવકના પિતા અલ્પેશભાઈ પટેલે જણાવ્યું કે અમે અમારા પુત્રને વિદેશ પૈસા કમાવવા માટે મોકલ્યો હતો. આ માટે અમે ૨ વીઘા જમીન વેચીને પૈસા ભર્યા હતા. હવે અમારા યુવકો છેતરાયા હોવાની જાણ થઇ છે. ૩ દિવસ પહેલા મારા પુત્ર સાથે મારે વાત થઇ હતી. ત્યારબાદ કોઈ વાત થઇ નથી. હવે એક વીડિયો દ્વારા જાણવા મળ્યું છે કે મારા પુત્રો સહિત ત્રણેયને બંધક બનાવાયા હતા.