વડોદરાઃ દીર્ઘદૃષ્ટા રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર આમ તો અત્યાર સુધીમાં સેંકડો પુસ્તકો લખાઈ ચૂક્યા છે, પણ પહેલી વખત એમ એસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક પ્રો. આર કે પાંડાએ વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર સંસ્કૃત મહાકાવ્યની રચના કરી છે.
૨૯ અધ્યાયમાં વહેંચાયેલા ‘શ્રીસયાજીગૌરવં મહાકાવ્યમ’ નામના આ મહાકાવ્યમાં કુલ ૧૫૦૦ શ્લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહાકાવ્યની રચના કરતાં પ્રો. પાંડાને આશરે ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. આ મહાકાવ્ય ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૨૫ પાનાંના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિ. આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગ દ્વારા શરૂ કરાયેલા સેન્ટર ફોર સ્પોકન સંસ્કૃતનું ૧૪મી ઓક્ટોબરે ઉદઘાટન રખાયું હતું. આ પ્રસંગે સયાજીરાવ પરના આ મહાકાવ્યનું પણ વિમોચન કરવાની જાહેરાત કરાઈ હતી.
આધુનિક સમયનું પ્રથમ સંસ્કૃત મહાકાવ્ય
પ્રો. પાંડા કહે છે કે, સયાજીરાવની સાથે સાથે ગુજરાતમાં પણ આધુનિક સમયમાં રચાયેલું આ પહેલું સંસ્કૃત મહાકાવ્ય છે. સયાજીરાવ પરના ઢગલાબંધ સાહિત્યમાંથી માહિતિ એકઠી કરીને તેમાંથી સંસ્કૃત શ્લોકની રચના કરવાની કામગીરી પડકારજનક હતી. આ મહાકાવ્યમાં સયાજીરાવના સમગ્ર જીવનચરિત્રને આવરી લેવાયું છે. ખાસ કરીને તેમના વ્યક્તિત્વના પાસા પર મેં વધારે ભાર મૂક્યો છે. સયાજીરાવે વ્યક્તિગત જીવનમાં ભારે સંઘર્ષ કર્યો હતો. તેમને ઘણા દુઃખ પણ જોયા હતા. આમ છતાં વડોદરા રાજ્ય પ્રત્યેની તેમની કર્તવ્ય નિષ્ઠામાં સહેજ પણ ફેર પડયો નહોતો. તેમનો રાજા તરીકે પ્રજા સાથેનો સબંધ અતૂટ રહ્યો હતો. આ તમામ બાબતો મહાકાવ્યમાં મેં આવરી લીધી છે.
૫૦ વર્ષની વયે મહારાજા સંસ્કૃત શીખ્યા હતા
મહારાજા સયાજીવરાવ પરનું સંસ્કૃત મહાકાવ્ય રચનારા પ્રો. પાંડાનું કહેવું છે કે, મહારાજા સયાજીરાવે ૫૦ વર્ષની વયે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો હતો. આ માટે તેમણે એક પંડિતને રાખ્યા હતા. એ પછી સંસ્કૃત સાહિત્ય પ્રત્યે તેમનો લગાવ વધ્યો હતો.