વડોદરાઃ પ્રતાપનગર વિસ્તારમાં અપ્સરા સ્કાયલાઈન કમર્શિયલ કોમ્પલેક્ષમાં આવેલી બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં ખાતેદારોને લોકરની સુવિધા છે. બેન્કના એક મહિલા ખાતેદારે તેમના લોકરમાં રૂ. ૨ લાખથી વધારે રોકડ રકમ મૂકી હતી. જેમાં રૂ. ૫, ૧૦, ૧૦૦ અને ૫૦૦ની ચલણી નોટો હતી.
મહિલા ખાતેદારને તાજેતરમાં રોકડની જરૂર હોવાથી તેઓ બેન્કમાં લોકરમાંથી રકમ લેવા આવ્યા હતા. લોકર ખોલતાંની સાથે જ તેમના હોંશ ઉડી ગયા હતા. લોકરમાં મૂકેલી તેમની રૂ. ૨ લાખથી વધારેની રકમને ઉધઈ કોતરી ગઈ હતી. આ બાબતે મહિલાએ બેન્કના કર્મચારીઓને ફરિયાદ કરતાં તેમણે પણ લોકર રૂમમાં ઉધઈ બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે, બેન્ક કર્મચારીઓ દ્વારા અન્ય લોકરમાંથી પણ ઉધઈ આવી ગઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.