કઠલાલ તાલુકાના અરાલ ગામના મહિલા સરપંચ અરુણાબહેન નટવરસિંહ ડાભીએ પતિ અને મળતિયાઓ સાથે મળીને ગામના વિકાસકાર્યો માટે ફાળવાયેલા રૂ. ૪.૬૧ લાખ ચાઉં કરી ગયા હોવાની ફરિયાદ કઠલાલ મદદનીશ વિકાસ અધિકારીએ પોલીસમથકે નોંધાવી હતી અને પોલીસતપાસમાં ફરિયાદમાં સચ્ચાઈ હોવાનું બહાર આવ્યું હતું.
• મહાગુજરાત હોસ્પિટલમાં સીટી સ્કેન સેન્ટરનો પ્રારંભઃ મહાગુજરાત મેડિકલ સોસાયટી સંચાલિત હોસ્પિટલ ખાતે ૨૭મી નવેમ્બરે સંસ્થાના નવા સોપાન સમા દિનશા પટેલ સીટી સ્કેન સેન્ટરનું ઉદઘાટન સંતરામ મંદિરના સંત શ્રી હરિદાસજી મહારાજના વરદ્ હસ્તે કરાયું હતું. આણંદમાં છેલ્લા ૭૫ વર્ષથી મહાગુજરાત મેડિકલ સોસાયટી આરોગ્ય અને તબીબી ક્ષેત્રે અગ્રગણ્ય સ્થાન ધરાવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઘરઆંગણે વ્યાજબી દરે સેવાઓ પૂરી પાડે છે. આ તબીબી સંસ્થા સમયની જરૂરિયાત મુજબ નવી ટેકનોલોજી તથા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં વિશ્વાસ રાખે છે તેવું શ્રી હરિદાસજી મહારાજે પ્રસંગે જણાવ્યું હતું.
• સંતરામપુર પાસે દારૂથી પાંચનાં મોતઃ રવિવારે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનું બીજા તબક્કાનું મતદાન થયું તેના બે દિવસ અગાઉ જ ૨૭મી નવેમ્બરે રાતે સંતરામપુર નજીક દારૂ પીવાથી પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં અને અન્ય ચારની હાલત હજી ગંભીર હતી. જિલ્લા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને જણાવ્યું છે કે, હજી સુધી આ કેસમાં કોઈ જ નક્કર વિગતો બહાર આવી નથી.