અમદાવાદઃ ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે તાજેતરમાં જ મગરના હુમલામાં એક વ્યક્તિનું મોત થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ઘણા સમયથી મગર અને માણસ વચ્ચેના સંઘર્ષના બનાવો સામે આવી રહ્યા છે. ગુજરાતમાં વડોદરા, નર્મદા, ખેડા, આણંદ, જૂનાગઢ, કચ્છના વિસ્તારોમાં નદી-તળાવોમાં મગર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે ખેડા-આણંદ જિલ્લાના લગભગ તમામ તળાવોમાં મગરની હાજરી જોવા મળી રહી છે. છેલ્લે વર્ષ ૨૦૧૫ની ગણતરી મુજબ ખેડા જિલ્લામાં માતર અને વસો તાલુકાના ૧૫ ગામોમાં ૨૦૧ મગરની સંખ્યા પ્રાથમિક અંદાજમાં સામે આવી હતી. ચોમાસા દરમિયાન મગર ગામમાં આવી જતા, રાત્રે ઘરમાં આવી જવાના બનાવો સહજ બની ગયા છે. છેલ્લા પંદર દિવસના ગાળામાં પાંચથી વધુ મગરોને આવી રીતે પકડવામાં આવ્યા છે.