વડોદરાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પગલે વિશ્વના નક્શામાં નર્મદા જિલ્લો ચમકી ગયો છે. આ પ્રતિમાના પગલે પગલે નર્મદા જિલ્લાનો તો ભરપૂર વિકાસ થશે જ સાથોસાથ વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લાનો પણ વિકાસ થશે તે પણ નક્કી છે. વર્ષના અંદાજિત પ૪ લાખ પ્રવાસીઓમાંથી જો પાંચ લાખ પ્રવાસીઓ પણ વિદેશના હોય તો તેમની જરૂરિયાતો માટે આધુનિક સાધન-સગવડ અહીં આકાર લેશે તેમાં બેમત નથી.
વડોદરામાં હાલ પ્રવાસીઓ માટેની જે સુવિધા છે તેમાં વધારો થતાં આગામી સમયમાં હોટેલ બિઝનેસ, ટુર્સ અને ટ્રાવેલર્સ બિઝનેસ, વે-સાઈડ રેસ્ટોરાંનો પણ બિઝનેસ વધશે. દેશ-વિદેશના પ્રવાસીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જો વડોદરાથી જાય તો પરત ફરતાં તેઓ પાવાગઢ ચાંપાનેરની મુલાકાતે જાય અને રતનમહાલ ખાતે રીંછ અભયારણ્યની મુલાકાતે પણ પ્રવાસીઓ જશે. આમ ટુરિઝમની નવી સરકીટ પણ આગામી સમયમાં ડેવલપ થશે.
બીજી તરફ ચોમાસામાં નિનાઈ ધોધની મુલાકાતે પણ પ્રવાસીઓ જશે. આ ઉપરાંત વડોદરા શહેરના પણ ઐતિહાસિક જોવાલાયક સ્થળોની મુલાકાતે પણ પ્રવાસીઓ જશે. બીજી તરફ ભરૂચ અને સુરત ખાતેથી પણ પ્રવાસીઓ કેવડિયાની મુલાકાતે જશે. વડોદરાને ઇન્ટરનેશનલ એરપોર્ટની સુવિધા જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ મુંબઈ કે અમદાવાદ થઈને વડોદરા આવશે.