વડોદરાઃ રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના કેસમાં ફક્તને ફક્ત ફાંસીની સજાની જોગવાઈની માગ સાથે ગોધરાની ૧૨ વર્ષની માહી નરેન્દ્રકુમાર પરમારે તાજેતરમાં વડોદરાના કમાટીબાગ ગેટ પાસે ઝુંબેશ કરી હતી. માહીને સહકારમાં લોકો જોડાયા પણ હતા. દેશમાં વધતા દુષ્કર્મના બનાવોને લઈને દુઃખી માહીએ દુષ્કર્મીઓને ફક્ત ને ફક્ત ફાંસી અપાય તેવું આવેદનપત્ર પણ તૈયાર કર્યું હતું અને લોકોનો સહયોગ મેળવીને એ આવેદનપત્ર પર સહીઓ પણ કરાવી હતી. માહી અને તેના પરિવારનું આયોજન છે કે, ગુજરાતના વિવિધ શહેરોમાં ફરીને આવેદનપત્ર પર સહી કરી સહયોગ મેળવવામાં આવે. આ આવેદન રાષ્ટ્રપતિને પહોંચાડવા માહી માગે છે.
સરકાર સુધી પહોંચાડવા અભિયાન
માહીના પિતા નરેન્દ્રકુમાર પરમારે જણાવ્યું હતું કે, દેશમાં બળાત્કારના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મીડિયામાં સમાચાર જોઇને મારી દીકરી માહીએ મને એક વખત પૂછ્યું હતું કે, બળાત્કાર એટલે શું? મારી પાસે કોઇ જવાબ નહોતો. મારી ૧૨ વર્ષની દીકરીને કેવી રીતે સમજાવી? છતાં મેં આખરે તેને બળાત્કાર વિષે માહિતી આપી હતી. બળાત્કારની વાત જાણ્યા બાદ માહીએ જણાવ્યું કે, પપ્પા.. આવું કૃત્ય આચરનારને સમાજમાં રહેવાનો કોઇ અધિકાર નથી. તેઓને ફાંસી સિવાય બીજી કોઇ સજા ન હોવી જોઇએ. બસ માહીએ ત્યારથી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનું નક્કી કરી લીધું છે.