આણંદઃ જન્મજાત શ્વાસોશ્વાસની તકલીફ ધરાવતા માત્ર ૨૮ દિવસનાં બાળકની ૨૨મીએ સર્જરી કરીને તેના ડાબી તરફના ફેફસાંનો એક ભાગ દૂર કરાયો હતો. ખુલ્લા લેકેક્ટોમીમાં છાતીની બાજુમાં ચીરો કરીને ફેફસાંના એક લોબને દૂર કરવાની જટિલ સર્જરી આણંદની આકાંક્ષા હોસ્પિટલમાં કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આઈવીએફ નિષ્ણાત ડો. નયના પટેલની સાથે નિયોનોલોજિસ્ટની નિષ્ણાત ટીમ નવજાત શિશુઓ માટે કામ કરી રહી છે. તેમના થકી આ સર્જરી કરાઈ છે. નિયોનોલોજિસ્ટ ડો. બિરાજ ઠક્કરે જણાવ્યું કે, નડિયાદ પાસેના એક ગામડામાંથી ૨૮ દિવસના બાળકને અતિગંભીર અવસ્થામાં પરિવારજનો હોસ્પિટલ લઈ આવ્યા હતા. બાળક શ્વાસ લઈ શક્તું નહોતું, તેનું ઓક્સિજનનું સ્તર માત્ર ૭૫ ટકા જ હતું. બાળકની અતિગંભીર હાલતને જોઈ ડોક્ટરે તેઓને આણંદમાં નિદાન માટે સલાહ આપી હતી.
બાળકનું સિટી સ્કેન કરાતાં તેના ફેફસાં ફૂલેલાં હતાં. બાળકના ડાબી બાજુનાં ફેફસાંનો ઉપરનો ભાગ હવાથી ફૂલતો હતો. જેથી જમણી બાજુના ફેફસાં પર દબાણ વધતું હતું અને હૃદય પર પણ દબાણ આવી રહ્યું હતું. જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્રણ દિવસ બાદ બાળકની લોબેક્ટોમી સર્જરી કરાઈ હતી. જે માટે અમદાવાદથી પીડિયાટ્રીક સર્જન ડો. કામદાર આવ્યા હતા. દોઢ કલાક ચાલેલી સર્જરી દરમિયાન બાળકના ડાબી તરફના ફેફસાનો ઉપરનો ભાગ દૂર કરાયો હતો. સર્જરી બાદ બાળકના નિષ્ણાત ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી અને તેની સ્થિતિમાં સુધારો થતાં ત્રણ દિવસ બાદ વેન્ટીલેટર પરથી હટાવી લેવામાં આવ્યું હતું. બાળક જાતે જ શ્વાસ લઈ શક્તું હતું.