વિદ્યાનગર: વિઠ્ઠલ ઉદ્યોનગરમાં રહેતા સિદ્ધાર્થ કિરીટભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે તેઓ વર્ષ ૧૯૯૪થી પરિવાર સાથે લંડન સેટ થયા છે. તેઓ ૨૦૧૦માં ભારત આવ્યા ત્યારે વિદેશમાં જે કમાણીમાંથી જે બચત કરી તે રકમ સગા મામા રાજેન્દ્ર વિઠ્ઠલ પટેલ (રહે. નડિયાદ)ને મોકલી હતી. સિદ્ધાર્થના નાણાંમાંથી તેમના વતી ચરોતરમાં પ્રોપર્ટી ખરીદવી એવો કરાર રાજેન્દ્રભાઈ સાથે થયો હતો. આ માટે સંબંધીને પણ સાક્ષી તરીકે રખાયા હતા. માર્ચ, ૨૦૧૭માં સિદ્ધાર્થભાઈ ભારત આવ્યા અને તેમના મામા પાસેથી પોતાની રકમ રૂ. ૧ કરોડ ૮૮ લાખનો હિસાબ માગ્યો તો મામાએ ઉડાઉ જવાબ આપીને નાણા આપવાનો વાયદો કર્યો હતો. એ પછી રાજેન્દ્રભાઈએ રૂ. ૪૦ લાખ ભાણેજના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાકીની રકમ પૈકી રૂ. ૫૦ લાખ છ માસમાં ચૂકવવા તથા તેમનું નડિયાદનું મકાન દસ દિવસમાં વેચાણ દસ્તાવેજથી ટ્રાન્સફર કરી આપવાનું લખાણ કર્યું હતું. આ લખાણના દસ જ દિવસમાં મામા કેનેડા ફરાર થઈ ગયા હતા. વિદ્યાનગર પોલીસે રાજેન્દ્રભાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.