આણંદઃ રાજપીપળાના ગે પ્રિન્સ અને માનવેન્દ્રસિંહ ગોહિલે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન એમએસડબલ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત એલજીબીટી વિષય પર યોજાયેલા પરિસંવાદમાં વધુ એક વિવાદિત નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણા સમાજમાં દંભ છે. આઈ ફાઈટ ફોર હિપોક્રિસી (હું દંભ સામે લડત ચલાવી રહ્યો છું). તમામ રિલિજિયસ લીડર દંભી છે. મને આ પ્લેટફોર્મ પરથી કહેતાં સહેજ પણ શરમ નહીં આવે કે મારી પાસે કેટલાય ધાર્મિક ગુરુઓએ સેક્સની માગ કરી છે. સમલૈંગિક સંબંધ અંગે આઈપીસી કલમ ૩૭૭માં કરાયેલા સુધારા વિષય પર યોજાયેલા પરિસંવાદમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
અંગ્રેજો સામે પ્રથમ વખત બગાવત
તેમણે ઈતિહાસને વાગોળતા વધુમાં ઉમેર્યું હતું કે, ઉક્ત કાયદો અંગ્રેજોના સમયથી ચર્ચામાં છે. વર્ષ ૧૮૫૭માં અંગ્રેજો સામે પ્રથમ વખત બગાવત થઈ હતી. જેને પગલે અંગ્રેજ શાસકોએ જાસૂસ રાખીને બગાવત કોણે કરી છે તે શોધવાનું કામ સોંપ્યું હતું. ઘણા સમય બાદ જાસૂસે જે રિપોર્ટ આપ્યો તેમાં તેમણે જણાવ્યું કે, બગાવત પાછળ બે સમુદાય જવાબદાર છે. જેમાં એક છે કિન્નર અને બીજો છે ફિમેલ સેક્સ વર્કર. બંને સમુદાય કંઈક કરવા આગળ વધે કે એક થાય તે પહેલાં જ તેમના પર રોક લગાવવા માટે લોર્ડ મિકોલે ૩૭૭ કાયદાની રચના કરી હતી. આ કાયદા અંતર્ગત બાળકની ઉત્પત્તિ ન થઈ શકે તે વગરનું સેક્સ ગેરકાનૂની ગણાવાયું હતું. એટલે કાયદો માત્ર સમૈલિંગકતાને જ અસર કરે છે તેવું નથી, પરંતુ સમગ્ર ભારતને અસર કરે છે.
ભારતમાં કેટલાય કાયદા અર્થહીન
જોકે, અમે લોકો કાયદામાં સુધારો આવે તે માટે હમેશાં લડતા રહ્યા છે. હજુપણ ભારતીય સંવિધાનમાં એવા કેટલાંય કાયદાઓ છે જેનો કોઈ અર્થ નથી. આપણને આઝાદી તો મળી છે, પરંતુ અંગ્રેજોએ બનાવેલા કાયદાથી આઝાદી મળવી જોઈએ તે પણ જરૂરી છે. કલમ ૩૭૭માં સુધારો જરૂરી જ હતો અને તે થયો છે તેને અમે આવકારીએ છીએ. વધુમાં સમાજ પણ અમને સહજતાથી આવકારે અને સેક્સને આનંદની રીતે લેવાય તેવી અમારી માગ છે. આ પ્રસંગે ટ્રાન્સજેન્ડરનું પ્રથમ ઓપરેશન કરાવનારી વડોદરાની આકૃતિ પટેલ, કિન્નર ખુશીબહેન તેમજ છોકરીમાંથી છોકરો બનેલા સુભાષભાઈ હાજર હતા.
યુએને પાઠવેલા પત્રમાં માનવઅધિકારનો ઉલ્લેખ
સેક્શન ૩૭૭માં કરાયેલા સુધારાને યુએને પણ આવકારી અને અમારી લડત માટે અમને લેખિતમાં શુભકામના પાઠવી હતી. જોકે, તેમાં ક્યાંય લેસ્બિયન, ગે, ટ્રાન્સજેન્ડરનો ઉલ્લેખ નથી. પણ માનવઅધિકારનો ઉલ્લેખ છે. જે વિશિષ્ટ બાબત છે.
એચઆઈવીમાં ભારતનો બ્રોન્ઝ!
માનવેન્દ્રસિંહ ગોહિલે કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ભારત હાલ એચઆઈવીમાં ત્રીજા સ્થાને છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ, સિલ્વર નથી મળ્યો, પણ એચઆઈવીમાં ભારેત બ્રોન્ઝ લીધો છે.