અમદાવાદ: ખેડા જિલ્લાના સુરાશામળ ગામના અશ્વિન મોહનભાઈ પટેલ ઉર્ફે અશ્વિન મોહનભાઈ પટક (ઉ. વ. ૫૭) ફેબ્રુઆરી-૧૯૯૮માં તેમના મિત્ર ગિરીશ પટેલની હત્યા કરી ‘અપહરણ’ની થિયરી ઘડીને અમેરિકા પરત નાસી ગયા હતા. હવે કેસ પૂરો થયેલો માનીને વીસ વર્ષ પછી અશ્વિનભાઈ ભારત પરત આવતાં ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. અશ્વિન મુંબઈના સહાર એર પોર્ટ પર ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટના હાથે જ ઝડપાઈ ગયા હતા.
કેસની વિગત એવી છે કે ત્રીજી માર્ચ,૧૯૯૮ના દિવસે અશ્વિન પટેલના મિત્ર ગિરીશભાઈ શિવાભાઈ પટેલની હત્યા થઈ હતી. ચકલાસી પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો હતો. ગિરીશભાઈએ અમેરિકામાં તે સમયે ૩૭ વર્ષના અશ્વિન પટેલને ૨૭૦૦૦ ડોલર ઉધાર આપ્યા હતા. ડોલર પાછા ન આપવા પડે તે માટે અશ્વિન પટેલે સહઆરોપી અશોક ઉમેદભાઈ પટેલની મદદથી ગિરીશ પટેલનું અપહરણ કર્યું હતું. આણંદમાં એક દારૂની મહેફિલ જમાવીને ગિરીશ પટેલને દારૂમાં ઝેર ભેળવીને આપી દેવાયું હતું. એ પછી ગિરીશ પટેલના શરીર ઉપરથી દાગીના ઉતરાવીને લાશને જોળ ગામની નહેરમાં નાંખી દેવાઈ હતી. ગિરીશ પટેલનું અપહરણ થયું હોવાનો કારસો રચીને અશ્વિન પટેલ પાછા અમેરિકા ભાગી ગયા હતા. અશોક ઉમેદભાઈ પટેલ અને જશભાઈ મોહનભાઈ પટેલની આ કેસમાં ૧૯૯૮માં જ ધરપકડ થઈ હતી. આરોપીઓના સાથી મયંક ડાહ્યાભાઈ પટેલે આપઘાત કર્યો હતો. હવે ગિરીશ પટેલની હત્યામાં મુખ્ય આરોપી ગણાતા અશ્વિન પટેલની વીસ વર્ષ પછી ભારત પાછા આવતાં મુંબઈ એર પોર્ટ ઉપર ધરપકડ થઈ છે.