આણંદઃ ઉમેરઠ તાલુકામાં અને આણંદ જિલ્લાના છેવાડે આવેલા ભરોડા ગામની વસ્તી ૫ હજાર છે. તેમ છતાં ગામમાં શહેર જેવી બધી જ સુવિધા છે. ગામના તમામ માર્ગો આસીસી રોડ છે. ગટર, વીજળીની ગામમાં સુવિધા છે. ગામમાં આરોગ્ય સુવિધા માટે પીએચસી કેન્દ્ર પણ છે. એથી પણ વધીને ગામની પંચાયત દ્વારા ગામમાં મિનરલ વોટર પૂરું પાડવામાં આવે છે. આ ગામના કેટલાય પરિવારો વિદેશમાં રહે છે તેથી ગામના વિદેશવાસી પરિવારો પોતાના ઘર અને ગામ સાથે જોડાઈ રહે તે માટે ડિજિટલ ટેકનોલોજીથી ગામ સજજ કરવામાં આવ્યું છે. તેથી વિદેશવાસી ગ્રામજનો ગામના સામાજિક, ધાર્મિક પ્રસંગો અને રોજેરોજની હિલચાલ વિદેશમાં ઘેર બેઠા નિહાળી શકે છે. ગામમાં ૯૫ જેટલા સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા છે. ગામના પ્રવેશદ્વારા પાસે ટાવર બનાવવામાં આવ્યો છે જે ગામની શોભામાં વધારો કરે છે.
સ્વચ્છ નિર્મળ ગામ
ભરોડાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ગામના ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી કરીને સારી આવક મેળવી શકે તે માટે યુવા ટેકનોક્રેગ ફાર્મ કમિટી નેજા હેઠળ લાલ મરચાંની ખેતી અહીં કરીને ખેડૂતો વર્ષે રૂ. ૪ કરોડની આવક મેળવે છે. આ ઉપરાંત ગ્રામજનો તમાકુ અને કેળની ખેતી પણ કરે છે. ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે નજીવા દરે મિનરલ વોરટની સુવિધા પંચાયત દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાજુના ઓડ ગામમાં પણ સામાજિક પ્રસંગે નજીવા દરે મિનરલ વોટર પૂરું પાડવામાં આવે છે. દાતાઓના સહયોગથી છેલ્લા વીસ વર્ષથી ગામમાં પાણી માટે વેરો લેવામાં આવતો નથી.
અદ્યતન હોસ્પિટલનું આયોજન
ગામના આગેવાન પ્રદીપ પટેલ કહે છે કે, ગ્રામજનોને બીમારી ટાણે બીજે ગામ કે શહેરમાં ન જવું પડે અને ગામમાં તમામ પ્રકારની સારવાર મળી રહે તે માટે મેડિકલ સુવિધા સજ્જ હોસ્પિટલ બનાવનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ગામના વિદેશવાસીઓ સાથે મિટિંગની ચર્ચા ચાલી રહી છે. કારણ કે વિદેશમાં રહેતા ગામવાસીઓ તથા ગ્રામજનો દાન આપે છે તેમજ સરકારની ગ્રાન્ટનો સદઉપયોગ કરીને વિકાસકાર્યો સુપેરે પાર પડે છે.