નવી દિલ્હી: વડોદરાની પ્રતિભાશાળી યુવા રેસર મીરા ઇરડા ભારતમાં યોજાનારી ફોર્મ્યુલા રેસિંગની હાઇએસ્ટ સ્પર્ધામાં ભાગ લેનારી દેશની પ્રથમ મહિલા ડ્રાઇવર બનવાની સિદ્ધિ મેળવીને ઇતિહાસ રચશે. તેને આગામી જેકે ટાયર્સ એફએમએસસીઆઇ નેશનલ રેસિંગ સ્પર્ધાની યુરો જેકે સિરીઝ માટે કરારબદ્ધ કરી લેવામાં આવી છે. મીરાએ પોતાની રેસિંગ કારકિર્દીની શરૂઆત નેશનલ ગો-કાર્ટિંગ સ્પર્ધાઓમાં સૌથી યુવા રેસરમાં સામેલ થઈને કરી હતી. તેણે ગયા વર્ષ સુધી એલજીબી ફોર્મ્યુલા-૨ ચેમ્પિયનશિપમાં રુકી ચેમ્પિયન ઓફ ધ યર તરીકેનો પુરસ્કાર પણ જીત્યો હતો. ૧૭ વર્ષની વયે જેકે યુરો સાથે કરારબદ્ધ થનાર મીરાએ જણાવ્યું હતું કે, મેં માત્ર નવ વર્ષની વયે રેસિંગને કારકિર્દી તરીકે અપનાવી હતી અને એફ-૧ રેસર બનવાનું મારું સ્વપ્ન છે. મારા સ્વપ્નને સાકાર કરવા માટેની આ તક મોટી હરણફાળ તરીકે સાબિત થશે. મીરા આગામી સમયમાં માત્ર નેશનલ જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં પણ ભાગ લેવા માગે છે. મીરા અત્યાર સુધીમાં ૭૫ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ ચૂકી છે.