અમદાવાદ: વડોદરા પોલીસે એક મોટા ઓપરેશનને પાર પાડતાં સિંઘરોટ ગામની સીમમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડી હતી. આ ફેક્ટરી મુંબઈના ડ્રગ ડીલર સલીમ ડોલાએ સૌમિલ પાઠક સાથે મળીને 2 મહિના પહેલાં શરૂ કરી હતી. પોલીસે ફેક્ટરીમાંથી 63 કિલો તૈયાર એમડી ડ્રગ્સ અને 80 કિલો લિક્વિડ ડ્રગ્સ મળીને કુલ રૂ.478.65 કરોડનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સના 3 કન્સાઇન્મેન્ટ મુંબઈ મોકલાયાં હતાં. આ ફેક્ટરી સાથે કેટલાક રાજકારણીની સંડોવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
દરોડામાં સૌમિલ સુરેશચંદ્ર પાઠક, શૈલેષ ગોવિંદભાઈ કટારિયા, વિનોદભાઈ રમણભાઈ નિજામા, મોહંમદ શફી ઉર્ફે જગ્ગુ મિસ્કિન દીવાન અને ભરતભાઈ ભીમાભાઈ ચાવડાને ઝડપી લેવાયા હતા. સૌમિલ અને સલીમ ડોલા એ ભાગીદારીમાં આ ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી હતી.
કેમિકલ ક્યાંથી લવાતું હતું તેની તપાસ કરાશે
શૈલેષ કટારિયા બીએસસી કેમેસ્ટ્રી ભણેલો છે, જેથી એમડી ડ્રગ્સ બનાવવાની આ ફેક્ટરી તે જ સંભાળતો હતો. જ્યારે વિનોદ ફેક્ટરીમાં દેખરેખ રાખતો હતો. આરોપીઓ કેમિકલ ક્યાંથી લાવતા હતા તેની તપાસ શરૂ કરાઈ છે.
સૌમિલ-સલીમ જેલમાં સાથે હતા
સૌમિલ 2017માં મુંબઈના ઘાટકોપરમાં 200 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો હતો. સૌમિલ મુંબઈની જેલમાં હતો, ત્યારે સલીમ ડોલા પણ ડ્રગ્સના કેસમાં જેલમાં જ હતો. ત્યાં બંનેની મુલાકાત થતાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને જેલમાંથી છૂટ્યા બાદ બંનેએ ભાગીદારીમાં વડોદરામાં એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી.