નડિયાદઃ અમેરિકાના નેવાર્ક મ્યુઝિયમના બીલી જોન્સન ઓડિટોરીયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં મૂળ નડિયાદના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ડો. તુષાર પટેલને પબ્લિક સર્વિસ બીડી હેલ્થ કેર કેટેગરીનો ન્યૂ જર્સી સ્ટેટ ગવર્નરનો વર્ષ ૨૦૧૫ માટેનો જેફરસન એવોર્ડ તાજેતરમાં એનાયત કરવામાં આવ્યો હતો. આ અંગે ડો. તુષાર પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે ન્યુ જર્સી સ્ટેટ ગવર્નર તરફથી જેફરસન એવોર્ડ એનાયત થાય છે. જેમાં વિવિધ ૨૦ કેટેગરી હોય છે. ડો. તુષાર પટેલને તબીબી સેવા માટે બીડી હેલ્થકેર પ્રોફેશનલ કેટેગરી માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ડો. તુષાર પટેલ નડિયાદના વતની છે અને તેમણે સુરતમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરીને વર્ષ ૧૯૮૭માં એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. ડો. તુષાર પટેલના પિતા ભૂપેન્દ્રભાઈ પટેલ વીસ વર્ષ સુધી ગુજરાત સ્ટેટ સેકન્ડરી સ્કૂલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખપદે કાર્યરત હતા.