ગોધરા: પંચમહાલ અને મહિસાગર જિલ્લાના સરહદી આદિવાસી વિસ્તારમાં આવેલા શહેરા તાલુકાના ભોટવા, માતરીયા, નંદરવા, ધમાઈ અને નવાગામમાં આદિવાસીઓના પરંપરાગત રિવાજને અનુસરતા કોઈ આપ્તજન સ્વર્ગવાસી થાય તો ફટાકડાં ફોડીને મૃતકનો શોક વ્યક્ત થાય છે. સગાઓ દ્વારા પંથકના ગામડાંઓમાં રહેતા આદિવાસીઓને સ્મશાનયાત્રા નીકળી રહી છે, તેની જાણ કરવા માટે રિવાજ નિભાવતા ચારેય દિશાઓમાં ફટાકડા ફોડવામાં આવે છે.
ભોટવા ગામના માજી ડે. સરપંચ પર્વતભાઈ કહે છે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ભારતના પૂર્વીય વિસ્તારોમાં આદિવાસીઓની વિવિધ પરંપરા અને રિવાજ હોય છે. એવી જ રીતે પંચમહાલ અને મહિસાગર પંથકના ગામડામાં ફટાકડાં ફોડીને પોતાના ઘેર મૃત્યુ થયું થે એની જાણ કરવાનો રિવાજ છે.
આમ ફટાકડા ફોડવાનો રિવાજ ખરેખર તો એવી રીતે પડ્યો હતો કે યુગો પહેલાં આદિવાસીઓ દુર્ગમ પહાડો અને ખીણોવાળા જંગલ વિસ્તારોમાં રહેતા હતા. વારેઘડીએ તેઓ મોસમ અને જરૂરિયાત મુજબ રહેઠાણ બદલતા હતા. કોઈના નજીકના સગા સંબંધી મૃત્યુ પામે તો તેઓને શોધવા અત્યંત કપરું થઈ જતું હતું. કોઈ આદિવાસીના ઘેર પરિવારજનનું મોત થાય ત્યારે તે ઘરના સભ્યો દ્વારા એકવાર આ પંથકોમાં ચારેય દિશાઓમાં ફોડવામાં આવતા હતા. તેથી આસપાસના આદિવાસીઓ ગામડાંઓમાં સમૂહમાં કે પહાડોમાં એકલા કે ભટકતા ફરતા હોય તેઓને જાણ થઈ જતી કે ફટાકડાં ફૂટયા તે સ્થળે કોઈનું મોત થયું છે. એક હેતુ એ પણ હતો કે જે વ્યક્તિનું મોત થયું હોય તેના શ્વસુરપક્ષના સગાઓને ફટાકડા ફોડીને જાણ ઝડપથી કરી શકાતી હતી. જેનું મોત થયું હોય તે વ્યક્તિના શ્વસુરપક્ષના લોકો તેની ઘેર પહોંચે ત્યાં સુધી રાહ જોવામાં આવે અને ત્યારબાદ ડાઘુઓ અંતિમવિધિ કરવા માટે અર્થી ઉઠાવે ત્યારે પણ ચારેય દિશામાં ફટાકડાં ફોડાતા હતા.
તેથી જેઓ રસ્તામાં ચાલતા કે વાહનોમાં આવતા હોય તેઓ મૃતકના ઘેર જવાના બદલે સ્મશાનઘાટ પહોંચી જાય અને અંતિમવિધિમાં હાજરી આપી શકે.
આ રિવાજ આજે મોબાઈલ અને મોટરસાઈકલના યુગમાં પણ પાળવામાં આવે છે એટલે જ કદાચ ધમકી આપતી વખતે આદિવાસીઓ કહે છે કે તારા ટોટાં (ફટાકડા) ફોડી નાંખીશ.