વડોદરાઃ ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાતના કોઇ ગામમાં રમાતી હોય કે ‘ક્રિકેટનું મક્કા’ ગણાતા લોર્ડસ ગ્રાઉન્ડમાં રમાતી હોય મેન ઓફ સિરીઝ ખેલાડીને ટ્રોફી અને તેની સાથે રોકડ પુરસ્કાર આપીને બહુમાન થતું હોય છે. જોકે તાજેતરમાં સંસ્કૃતિ નગરી વડોદરામાં યોજાયેલી વીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ સિરીઝ ખેલાડીનું ગાય અને વાછરડું ભેટ આપીને બહુમાન કરાયું હતું. લોકોમાં ગૌવંશના જતન માટે જાગૃતિ વધે તે માટે આ અનોખો નિર્ણય લેવાયો હતો.
વડોદરા શહેરના લાલબાગ એસઆરપી ગ્રાઉન્ડમાં પહેલી મેના રોજ વડવાળા પ્રીમિયર લીગ નાઇટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ખેલાડીને આ ઈનામ અપાયું હતું. તેમજ ગૌ-માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માગ પણ કરાઈ હતી. ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. રાત્રે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રમાઈ હતી. જેમાં જંબુસર અને ગાજરાવાડીની ટીમો વચ્ચે મુકાબલો થયો હતો.