ઉમરેઠ: વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો માટે ફરી એક વાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મોઝામ્બિકમાં એક ગુજરાતી વેપારીનું ચાલુ બિઝનેશ મીટીંગે અપહરણ કરવામાં આવ્યુ છે. આ અંગેનો વીડિયો સામે આવ્યો છે જેમાં ગુજરાતી વેપારીનું ચાલુ મીટીંગે અપહરણ થતું હોવાનું જોવા મળે છે. ગુજરાતી વ્યક્તિ જ્યાં મીટિંગ કરી રહ્યો હતો તે દુકાનની સામે એક કાર આવીને ઉભી રહી અને ત્રણ લોકો ખૂબ જ સામાન્ય રીતે દુકાનમાં પ્રવેશ્યા. બાદમાં, એક વ્યક્તિએ ભારતીય વેપારી તરફ ઈશારો કર્યો જ્યારે અન્ય એક તેને કારમાં ખેંચી ગયો અને કાર ભગાડી મૂકી. વેપારીના પરિવારે ભારત સરકારના વિદેશ મંત્રાલયને સુરક્ષિત રીતે પરત લાવવા અંગે વિનંતી કરી છે. સ્વદેશ પરત ફરેલો ગુજરાતી વ્યક્તિનો પરિવાર વિદેશ મંત્રાલયને તેની સુરક્ષિત પરત ફરવા અપીલ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ૨૮ જૂન, ૨૦૨૦ના રોજ મોઝામ્બિકમાં ૩૫ વર્ષીય ભારતીય મૂળના વેપારી કૌશલ પંડ્યાનું અપહરણ કરાયું હતું, જેઓ રાજધાની માપુટોમાં એક રેસ્ટોરન્ટમાં લંચ કર્યા પછી ઘરે જઈ રહ્યા હતા. જ્યારે કૌશલ પંડ્યાના પિતા કિશોરકુમાર છોટાલાલનું પણ જાન્યુઆરી ૨૦૧૪માં ચાર શખ્સોએ ખંડણી માટે અપહરણ કર્યું હતું. પરિવારે ખંડણી ચૂકવ્યા બાદ કૌશલ પંડ્યાને ખંડણીખોરોએ છોડી મૂક્યા હતા. સાંસદ મિતેશ પટેલે જણાવ્યું હતું કે આ વાતની જાણ ભારત સરકાર દ્વારા મોઝામ્બિક સરકારને કરાઇ છે.