આણંદઃ મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થાનો ૧૦૦મો ક્રાંતિકારી સમૂહ લગ્નોત્સવ આઠમી જાન્યુઆરીએ ચાંગા ખાતે સંપન્ન થયો હતો. આ સમૂહ લગ્નમાં ૪૭ યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. અત્યાર સુધીમાં માતૃસંસ્થાના સમૂહ લગ્નોત્સવમાં કુલ ૨૭૧૯ યુગલોએ ગૃહસ્થ જીવનની કેડી પર પગરણ માંડ્યા છે. આ લગ્ન ઉત્સવ પ્રસંગે નવયુગલોને આશીર્વાદ આપતાં ચારુસેટ યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્ર પટેલે કહ્યું હતું કે, દીકરા કરતાં દીકરીને સવાઈ ગણવી એ વર્તમાન સમયનો યુગધર્મ છે. ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજે વર્ષ ૧૯૮૫માં રૂઢિચુસ્ત વાતાવરણ વચ્ચે સમૂહલગ્નની પહેલ કરી હતી અને પાટીદારો માટે સમૂહલગ્ન ઉત્સવ દીવાદાંડી સમાન બની ગયો છે.
આ સમૂહલગ્નોત્સવમાં ૭મી જાન્યુઆરીએ લગ્ન પહેલાંની ધાર્મિકવિધિઓનું આયોજન કરાયું હતું અને દાતાઓ તરફથી દાનની જાહેરાત સાથે દાતાઓના સન્માનનો સમારોહ યોજાયો હતો. સાતમીએ જ ચમોસ માતૃસંસ્થા અને અજરપુરા, બાકરોલ, ચાંગા, ડેમોલ, ગાડા, ખાંધલી, મહુધા, પાળજ, રામપુર, ત્રાજ અને અલીન્દ્રા (મ) જેવા વિવિધ ગામોની માહિતી આપતી ૧૨ વેબસાઈટનું લોન્ચિંગ આ પ્રસંગે થયું હતું. આ વેબસાઈટ્સના લોન્ચિંગમાં ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, કેળવણી મંડળ - સીએચઆરએફ તથા માતૃસંસ્થાના સેક્રેટરી ડો. એમ સી પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. બી જી પટેલ, રજિસ્ટ્રાર દેવાંગ જોષી તથા ચારુસેટ સ્પેસ રિસર્ચ ટેક્નોલોજી સેન્ટરના વડા ડો. એસ પી કોસ્ટા હાજર હતા.
૮ જાન્યુઆરીએ સંસ્થા દ્વારા યોજાયેલા સમૂહલગ્નમાં ૧૧ પાયાના સૂત્રોધારોને સન્માન પત્ર, અને શાલ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સફર સંહિતા ગ્રંથનું વિમોચન પણ કરાયું હતું. આ લક્નોત્સવમાં રાજ્ય નાણા ઉદ્યોગ પ્રધાન રોહિતભાઈ પટેલ, સંતરામ મંદિર, ઉમરેઠ ના પૂ. ગણેશદાસજી મહારાજ તથા વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજની યુવા ઉત્કર્ષ સમિતિ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. જેમાં ૫૦ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
ચારુસેટની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને ફાર્મા ક્ષેત્રે વિશિષ્ટ સંશોધન કરી રહેલી મૂળ નરસંડાની અર્પિતા પટેલના તાજેતરમાં જ લગ્ન થયા હતા. અર્પિતાએ પોતાને લગ્નમાં મળેલી કેટલીક ભેટ તથા તેને તેના સગાસંબંધીએ આપેલી ચાંલ્લાની રકમ તેમજ પોતાના તરફથી એમ કુલ મળીને રૂ. ૧.૧૧ લાખનો ચેક સમાજના ઉપયોગ માટે માતૃસંસ્થાને અર્પણ કર્યો હતો. આ સમૂહલગ્નમાં અસંખ્ય લોકો ઉપરાંત ૧૨ જેટલા NRIઓએ હાજર રહીને નવયુગલોને ભેટ તથા આશાર્વાદ આપ્યાં હતાં.
દાતાઓનું સન્માન
• સુરેન્દ્રભાઈ પટેલ
• રામભાઈ ફુલાભાઈ પટેલ
• નગીનભાઈ મણિભાઈ પટેલ
• મનુભાઈ ઉમેદભાઈ પટેલ
• મહેન્દ્રભાઈ ગોરધનભાઈ પટેલ
• ડી. જે. પટેલ
• ડો. એમ સી પટેલ (ખાંધલી - વિદ્યાનગર)
• ડો. કે સી પટેલ (કેસીકાકા)
• ચીમનભાઈ આશાભાઈ પટેલ
• છોટાભાઈ ભીખાભાઈ પટેલ
• બહેચરભાઈ મોતીભાઈ પટેલ