ગોધરાઃ પંચમહાલ જિલ્લાની ખાલી પડેલી મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શનિવારે યોજાયું હતું. કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે તંત્ર અને ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાનમથકો પર કોરોના ગાઈડલાઇન્સનું ખાસ પાલન થાય તેનું ધ્યાન રખાયું હતું. તો બીજી તરફ મોરવા હડફ પેટા ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા પણ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
કોરોના મહામારીના સમયમાં યોજાયેલી ચૂંટણીમાં ૪૨.૬૦ ટકા મતદાન નોંધાયું હતું. જયારે ગત ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વેળા ૬૩.૧૪ ટકા મતદાન થયું હતું. ગત વેળા કરતા ૨૧ ટકા ઓછુ મતદાન થવા છતાં ઉમેદવારોએ પોતપોતાની જીતના દાવા કર્યા હતા. આગામી બીજી મેના રોજ આ પેટા ચૂંટણીની મતગણના સરકારી કોલેજ, મોરવા હડફ ખાતે હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષિત રાખવામાં આવ્યા છે.