નવસારીના બેન્કકર્મી મુનીર અને લાજપોરના સફી કારાએ ત્રણ દિવસ બંધક બનાવી વૃદ્ધ તબીબના લલના સાથે બીભત્સ ફોટા પડાવી બદનામ કરવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં થયો છે.
અખબારી અહેવાલમાં જણાવ્યા મુજબ લાજપોરના વતની ડો. ઇબ્રાહીમ ઇસ્માઇલ દાદીભાઇ વર્ષોથી યુકેમાં સ્થાયી થયા છે. તેમની વડીલોપાર્જિત જમીન લાજપોર, વાડા અને મહુવર ગામે છે. ડો. દાદીભાઇનું નવસારીની બેન્ક ઓફ બરોડામાં ખાતું હોવાથી ત્યાં જતાં-આવતાં બેન્ક કર્મચારી મુનીર શેખ સાથે પરિચય થયો હતો. વયોવૃદ્ધ ઇબ્રાહીમભાઇએ તેમની જમીન વેચવા અંગે મુનીરને વાત કરી રાખી હતી.
ગત નવેમ્બરમાં ઇબ્રાહીમભાઇ યુકેથી લાજપોર આવ્યા ત્યારે મુનીરે તેમને બોલાવ્યા હતા. જમીન ખરીદનાર પાર્ટી હોવાનું જણાવી ઇબ્રાહીમભાઇને મહંમદ સફી ઉર્ફે સાદીક અહમદમીંયા કારા સાથે મૂલાકાત કરાવી હતી. આ બે જણાએ મિટિંગના બહાને ઇબ્રાહીમભાઇને કારમાં બેસાડ્યા હતા. આ કારમાં અગાઉથી અસ્ફાક, આરિફ મુલ્લા, અબ્દુલ વગેરે હતા. આ ટોળકી ઇબ્રાહીમભાઇને કારાના ઘરે લઇ ગયા અને ત્રણ દિવસ ગોંધી રાખ્યા હતા. અહીં તેમને ત્રાસ આપી ડરાવી ધમકાવી તેમની જમીન લખાવી લીધી હતી. ત્યારબાદ વૃદ્ધ ઇબ્રાહીમ પાસે એક લલના લાવવામાં આવી હતી. ટોળકીએ આ તબીબને નગ્ન કરી લલના સાથે બીભત્સ હાલતમાં ફોટા પાડી ક્લિપ પણ બનાવી હતી. આ ટોળકીએ ઇબ્રાહીમ દાદીભાઇને લખાણ અંગે કોઇને વાત કે ફરિયાદ કરી તો બીભત્સ ક્લિપિંગ ફરતી કરી બદનામ કરવા તથા મારી નાંખવાની ધમકી અપાઇ હતી. પોતે મૌલવી પણ હોવાથી બદનામીના ડરે તે યુકે જતા
રહ્યા હતા.
ત્યારબાદ સફી કારાએ પોતે ડો. દાદીભાઇની જમીન ખરીદી હોવાની નોટિસ અખબારોમાં પ્રસિદ્ધ કરાવી હતી. આ જોઇ ચોંકી ઉઠેલા તબીબે યુકેમાં ભારતીય હાઇ કમિશનને ફરિયાદ આપી હતી. આ ફરિયાદ સુરત રેન્જ આઇજી હસમુખ પટેલ પાસે આવી હતી. પટેલે ડો. ઇબ્રાહીમને બોલાવી વાત સાંભળી નવસારી મોકલ્યા હતા. ડીવાયએસપી વિજયસિંહ જાડેજાએ માહિતી મેળવી નવસારી રૂરલ પોલીસ મથકમાં ટોળકી સામે ગુનો નોંધાવ્યો હતો.