પાદરા: ઝંડાબજારમાં રહેતા હિતેશભાઈ ઉત્તમભાઈ ચૌહાણ ૧૦ વર્ષથી વધુ સમયથી આફ્રિકાના યુગાન્ડામાં પત્ની રેખાબહેન અને પુત્ર હિમાશુંભાઈ સાથે રહેતા હતા. હિતેશભાઈની પુત્રી પ્રિયંકા બે વર્ષથી વતન પાદરામાં આવીને વસી હતી. તાજેતરમાં પ્રિયંકાના લગ્ન હોવાથી માતા રેખાબહેન લગ્નના ૨૦ દિવસ પહેલાં જ યુગાન્ડાથી પાદરા આવ્યાં હતાં જ્યારે પુત્રી ઉપરાંત હિતેશભાઈના બે ભત્રીજાના પણ લગ્ન હોવાથી હિતેશભાઈ અને હિમાંશુભાઈ પણ યુગાન્ડાથી મુંબઈ આવ્યા હતા. ૩જીએ મુંબઈથી પિતા અને પુત્ર ટ્રેનમાં વડોદરા આવતા હતા ત્યારે હિતેશભાઈ અચાનક ગુમ થઈ ગયા. વડોદરા આવ્યા છતાં પિતાની ભાળ ન મળતાં હિમાંશુએ તેમની શોધખોળ આદરી પણ તેઓ ન મળ્યા. એ પછી પરિજનોને તપાસ બાદ જાણવા મળ્યું કે ગણદેવી પાસે અજાણ્યાનો મૃતદેહ મળ્યો છે અને તે ગણદેવી સરકારી દવાખાનામાં છે ત્યારે હિતેશભાઈના પરિજનો ગણદેવી પહોંચી ગયા. મૃતદેહ હિતેશભાઈનો હોવાથી સૌ ભાંગી પડ્યા. ૩જીના રોજ હિતેશભાઈ સાથે એવું તે શું બન્યું કે તેઓનું મૃત્યુ થયું તે ચર્ચા પાદરા પંથકમાં થવા લાગી છે.