છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને રાજ્યની સરહદ ઉપર આવેલા બિલવાટ ગામની સગીરા ૨૪મી મેએ એક યુવક સાથે ભાગી ગઈ હતી. આ સગીરાને શોધીને તેના ૧૫ જેટલા નારાજ સગા સંબંધીઓ જાહેરમાં સગીરાને લાકડીથી માર મારતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો ૨૬મી મેના રોજ વાઈરલ થતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. આ સંદર્ભે રંગપુર પોલીસ સ્ટેશનમાં ૨૭મી મેએ ૧૫ વ્યક્તિ સામે ગુનો દાખલ થયો હતો.
આ કેસ અંગે પોલીસે જણાવ્યું કે, વીડિયોમાં જે સગીરા પર અત્યાચાર કરાતો દર્શાવાયો હતો તે કિશોરી છોટાઉદેપુરમાં એક સ્થળે કડિયા કામ કરવા જતી હતી. એક દિવસે ગામનો જ યુવાન બાઈક લઈ તેને છોટાઉદેપુરથી ભગાડી મધ્ય પ્રદેશ લઈ ગયો હતો. મધ્ય પ્રદેશમાં યુવકના સગા રહેતા હોવાથી ત્યાં તેને સાથે રાખી રહેતો હતો. આ ઘટનામાં એવું પણ બહાર આવ્યું છે કે યુવક-સગીરા બંને રાઠવા પટેલ સમાજના જ છે. એક જ ગામમાં છોકરી આપી શકાય નહીં એવી પ્રથાના કારણે બંનેનો વિરોધ થયો છે. ગામના કેટલાકે આ અંગે ઉહાપોહ કરી સગીરાએ આમ કેમ કર્યું? તે અંગે ન્યાય તોળ્યો હતો. તેવું જાણવા મળ્યું છે.
મારઝૂડથી કિસ્સો ચર્ચાસ્પદ બન્યો
ભોરદલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ઢુંઢીબહેન રાઠવાએ આ અંગે જણાવ્યું હતું કે, બિલવાટ ગામેથી ભાગી ગયેલી સગીરાને માર મારવામાં આવ્યો એની ફરિયાદ અમારા સુધી આવી ન હતી. ત્યાંના રહીશો એ ફરિયાદ કરી હોત તો યોગ્ય ઉકેલ લાવ્યા હોત. મારઝૂડ કરી આ વિષયને ચર્ચાસ્પદ બનાવવો નહોતો જોઈતો.
જૂના કુરિવાજો છોડવા જરૂરી
છોટાઉદેપુર તાલુકાના બિલવાટ ગામે સગીરાને જાહેરમાં માર મારવા અંગે રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ ફેન ઉપર જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારની અંદર આજે પણ જૂના કુરિવાજો ચાલે છે. એમાં બદલાયેલા યુગ પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે.