વડોદરા પાસેની મહીસાગર નદીમાં ઝંપલાવીને ૩૦ વર્ષીય યુવાન જૈન સાધ્વીજીએ આપઘાત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પાદરા તાલુકાના બામણગામ નજીક ગત બુધવારે બનેલી આ ઘટનામાં રિદ્ધિતાશ્રીજી નામના જૈન સાધ્વીએ કોઇ કારણોસર આ પગલું ભર્યું હતું. રિદ્ધિતાશ્રીજી મહાસતીજી પાદરા પગપાળા જઈ રહેલા એક જૂથનો હિસ્સો હતાં. થાકને કારણે તેઓ જૂથમાંના અન્ય લોકોથી પાછળ રહી ગયાં હતાં. નદી પરનો બ્રિજ ક્રોસ કરતી વેળાએ સાધ્વીએ મહીસાગરમાં ઝંપલાવ્યું હતું. રિદ્ધિતાશ્રીજી મહાસતીજી પર તાજેતરમાં પથરીનું ઓપરેશન થયું હતું અને તેમની તબિયત પણ સારી નહોતી રહેતી.
નડિયાદમાં પૂર્વ મુખ્ય પ્રધાનનું સ્મારક ભવન ધરાશાયીઃ નડિયાદ શહેરમાં પૂર્વ મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલનું સ્મારક ભવન ૨૦ માર્ચના રોજ બપોરે જાળવણીના અભાવે ધરાશાયી થયું હતું. આ સ્મારક ધરાશાયી થતાં એક બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે ત્યાં બેઠેલા એક સફાઈ કર્મચારીને સામાન્ય ઈજા થઇ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે પોસ્ટ ઓફિસની કચેરી ખાલી થતાં ત્યાં જનતા પાર્ટીની ઓફિસ શરૂ થઇ હતી. શહેરના ઘોડિયા બજારસ્થિત દિવાળીપોળ જવાના માર્ગે આ કચેરી આવેલી હતી. સમયકાળે આ જનતા પાર્ટીની કચેરીને બાબુભાઈ જશભાઈ પટેલ સ્મારક ભવન નામ અપાયું હતું. તેની કોઈ પ્રકારની તકેદારી કે જાળવણી રખાતી નહોતી અને વર્ષોથી બંધ હાલતમાં આ સ્મારક પ્રતિદિન જર્જરિત થતું રહ્યું હતું.